જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રંગમતી નદીના પટમાં મેગા ડિમોલિશન
116 જેટલાં મકાનો, દુકાનાનાં દબાણો દૂર કરવા કાર્યવાહી : કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં દબાણો હટાવવા 12 JCB, 3 હિટાચી અને 200થી વધુના સ્ટાફ સાથે પોલીસ કાફલો જોડાયો
જામનગર, : જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટે આજે સવારથી મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા ૧૧૬ જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે 50,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહીમાં મનપાના અધિકારીઓની મોટી ટીમ અને ૨૦૦થી વધુ સ્ટાફ ઉપરાંત પોલીસ કાફલો જોડાયો હતો.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તારેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં 116 જેટલાં ગેરકાયદે રહેણાંક મકાન- દુકાનો વગેરે ખડકી દેવાયા હતા. જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે 57 જેટલા મકાનો ખડકાયેલા હતા. જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સુચના અપાઇ હતી. ત્યારબાદ આજે સવારે ડિમોલીશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલાની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી તથા એસ્ટેટ શાખાની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૨૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડિમોલીશનમાં જોડાયા હતા. અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.તથા 12 JCB મશીનો, 3 હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે. અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મહિલા પોલીસની ટીમ સાથે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો.