સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ

- ભાવનગર-રાજકોટ હાઈવે પર સવારથી મોડી સાંજ સુધી જેસીબી ફર્યા
- પોલીસ પ્રોટેક્શન સાથે રોડની બન્ને સાઈડના દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, આજે પણ દબાણ હટાવ કામગીરી થશે
સિહોરમાં ગુંદાળા વસાહતથી દાદાની વાવ, વડલા ચોક, બસ સ્ટેન્ડથી ગરીબશાપીરની દરગાહ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી દબાણકર્તાઓએ રોડની બન્ને સાઈડમાં માંડવા, પતરાના શેડ, કેબિનો, ફ્રૂટના સ્ટોલ, ફાસ્ટફૂઠ, ચા-નાસ્તાના સ્ટોલો ઉભા કરી કરોડો રૂપિયાની બજાર કિંમતની સરકારી જમીન ઉપર દબાણો ખડકી રાખ્યા હતા. આ તમામ દબાણો હટાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે મંગળવારે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી સવારે ૯-૩૦ કલાકથી દબાણો હટાવવાનું શરૂ કરી સાંજે ૬ વાગ્યા બાદ સુધી પણ આ કામગીરી ચાલું રાખી હતી. હવે બાકીના રહેતા દબાણોનો આવતીકાલે બુધવારે સફાયો કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, હાઈવે રોડની બન્ને સાઈડમાં દબાણોના કારણે રસ્તો સાંકડો થઈ જતાં અવાર-નવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા રહેતા હતા. ટ્રાફિક સમસ્યા પણ માથાના દુઃખાવા સમાન રહેતી હતી. જેથી નાગરિકો, વાહનચાલકોની વ્યાપક ફરિયાદો ઉઠતા આખરે તંત્રએ મેગા ડીમોલેશન હાથ ધરતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વધુમાં હટાવેલા દબાણો ફરી ન ખડકાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.









