Get The App

ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું 1 - image

- રૂ. 105 કરોડની 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવાઇ

- નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં 3 માળનું ગેસ્ટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું : દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ્યાં માં ચામુંડાના દર્શનાર્થે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યાં આજે વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોેથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર જમાવાયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી ૪૦૦થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દઇ રૂ.૧૦૫ કરોડની ૧૭ એકર સરકારી જમીન ખુલ્લી કરવાઇ હતી. તેમજ નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં ત્રણ માળનું ગેસ્ટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરવામાં આવ્યો છે.

ચોટીલા ખાતે ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુ આવેલ અંદાજે ૪૦૦થી ૪૫૦ જેટલા દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ દૂર ન થતાં સવારે ૧૦ કલાકે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઝુંબેશમાં મોજે નાના પાળીયાદ અને ચોટીલાની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. સરકારી જમીન પર કરેલ દબાણો દૂર કરવામાં આવતા કિંમત રૂ.૧૦૫ કરોડની અંદાજે ૧૭.૦૦ એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. 

નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં ગેરકાયદે ગેસ્ટ હાઉસ તોડી પાડતા વિવાદ

આ ઉપરાંત ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ચોટીલા મહંત પરિવાર દ્વારા આ મામલે વિરોધ કરતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. 

રસ્તાને વિકાસ પથ તરીકે વિકસાવામાં આવશે

ખુલ્લી કરાયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે અને રસ્તાને વિકાસ પથ/સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારી જમીનની જાળવણી માટે વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.

દબાણના કારણે 40 ફૂટનો રોડ 20 નો થઇ ગયો હતો

ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ના પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે ૪૦ ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે. પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે ૧૦-૧૦ ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ કરી ૪૦ ફૂટનો રસ્તો માત્ર ૨૦ ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થતા રસ્તો પહોળો થતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીમાંથી રાહત મળી છે.