અમદાવાદ બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી શરુ, 50,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે
Jamnagar Mega Demolition: જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા 116 જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓના કર્મચારીઓ અને 200થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝનનો મહિલા પોલીસ સહિતનો પોલીસ કાફલો મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં જોડાયો છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાંક મકાન-દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે 57 જેટલા મકાનો ખડકાયેલા હતા. જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સૂચના અપાઈ હતી. ત્યારબાદ આજે સવારે ડિમોલિશન શરુ કરી દેવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી. એન. મોદીના માર્ગદર્શન હેઠળ ડી. એમ. સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશ્નર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખાની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી 200થી વધુ કર્મચારીઓ આજના મેગા ડિમોલિશનમાં જોડાયા હતા, અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.
સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે 12 જેસીબી મશીન, 3 હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી તોડવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડાની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.
જેમાં એક સ્થળે 47 મકાનોનું દબાણ ખુલ્લું કરાવાઈ રહ્યું છે, જ્યારે બીજા સ્થળે 16 દુકાનો સહિત 46 જેટલા બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે ત્રીજા સ્થાને 23 મકાનો પર મહાનગરપાલિકાનો હથોડો વીંઝવામાં આવ્યો છે, અને અંદાજે 50,000 ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.