Medical Waste Found in Chhota Udaipur: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ નજીકથી પસાર થતી નર્મદાની માયનોર કેનાલ નજીક મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ગંભીર બેદરકારી સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો
મળતી માહિતી અનુસાર, સણોલી ગામ નજીક કેનાલ પાસે ફેંકાયેલા આ મેડિકલ વેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી સિરીંજ, બાટલીઓ અને એક્સપાયરી ડેટની દવાઓનો સમાવેશ થાય છે. એક જાગૃત નાગરિકે આ જોખમી મેડિકલ વેસ્ટનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેના આધારે તંત્ર સફાળું જાગ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યાં આ કચરો ફેંકાયો હતો ત્યાં નજીકમાં જ ખેતરો આવેલા છે અને પશુઓ પણ ચરવા માટે આવતા હોય છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો હતો.
જેસીબી વડે વેસ્ટને દાટી દેવાયો
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીન બોલાવી ખાડો ખોદીને આ તમામ મેડિકલ વેસ્ટને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. જોકે, આ નિકાલની પદ્ધતિ સામે પણ સવાલો ઊઠી રહ્યા છે કે, મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકારની ચોક્કસ ગાઇડલાઇન હોવા છતાં કેનાલ કિનારે કચરો કેમ ફેંકાયો? આ જોખમી કચરો ફેંકનાર ખાનગી હૉસ્પિટલ કે સરકારી તંત્રનો કોઈ જવાબદાર વ્યક્તિ છે? અગાઉ પણ આવા કિસ્સા બન્યા હોવા છતાં કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
તપાસ અને પોલીસ ફરિયાદની તૈયારી
આરોગ્ય વિભાગે હાલ તો આ મેડિકલ વેસ્ટના નમૂના લઈ તપાસ તેજ કરી છે. બીજી તરફ, વીડિયો વાઇરલ કરનાર જાગૃત નાગરિકે આ મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ દર્શાવી છે. હાલમાં આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે ફેંક્યો તે જાણવા માટે આરોગ્ય વિભાગે આસપાસની હૉસ્પિટલો અને ક્લિનિક્સના ડેટા તપાસવાનું શરુ કર્યું છે.


