Gujarat

અગાઉ મોતને મહાત આપનાર તબીબી છાત્રનો વિમાની દુર્ઘટનામાં પણ બચાવ

By GS TEAM
16 Jun 20252 mins read
અગાઉ મોતને મહાત આપનાર તબીબી છાત્રનો વિમાની દુર્ઘટનામાં પણ બચાવ

એક વર્ષના ટૂંકા ગાળામાં 2 ભયાનક અકસ્માતમાં ચમત્કારિક બચાવ : દેરડીકુંભાજીનો યુવક મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં જમતો હતો ત્યારે પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર હતો ને બચી ગયો

ગોંડલ, : અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાથી દેશભરની જનતાના કાળજા હચમચી ઉઠયા છે. ત્યારે અમદાવાદની મેડિકલ કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહેલા ગોંડલનાં દેરડી કુંભાજી ગામનાં તબીબી છાત્રનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના રહેવાસી અને હાલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાને ટૂંકા ગાળામાં બે વખત મોતને હાથતાળી આપી  છે. એક વર્ષમાં બે ભયાનક અકસ્માતોનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. ગત વર્ષે અકસ્માતમાં અને આ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી તે સાંગાપાંગ બચી ગયો છે.

તાજેતરની ઘટના અંગે વાત કરતા વેદે કહ્યું, '12 જૂનના બપોરે હું મેડિકલ કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને કાંઇ સમજાય તે પહેલાં બધું ધૂળ અને કાટમાળમાં અદ્રશ્ય થઈ ગયું હતું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. થોડીવાર માટે ધુમાડા સિવાય કશું જ દેખાતું નહોતું. અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યો પણ તે યોગ્ય ન લાગ્યું અને અમે સીડી તરફ ભાગ્યા. ત્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કયર્યો પણ કાટમાળ એટલો ભારે હતો કે, અમારાથી કંઈ થઈ શક્યું નહીં. પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા હતા. આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો. બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી. સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલાં મારા પરિવારને ફોન કરીને હું સુરક્ષિત છું તેવી જાણ કરી હતી.'

બંને દુર્ઘટનામાં ૧૩ જૂને ઘરે પરત પહોંચવાનો અજબ સંયોગ

વેદ સાથે બનેલી બંને દુર્ઘટનામાં એક અજબ સંયોગ જોવા મળ્યો છે. ગત વર્ષે 4 જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ 13 જૂન, 2024ના રોજ ઘરે પાછો ફર્યો હતો. આ વર્ષે પણ 12 ૨ જૂને પ્લેન ક્રેશની ઘટના બની અને વેદ 13 જૂન 2025ના રોજ સવારે પોતાના ગામ દેરડી (કુંભાજી) હેમખેમ પહોંચ્યો હતો.