Gujarat

માનસિક તાણમાં મેડિકલ સ્ટુડન્ટે ભૂલથી વધુ ગોળીઓ ખાઇ લીધી

By GS TEAM
30 Jun 20251 min read
માનસિક તાણમાં  મેડિકલ સ્ટુડન્ટે ભૂલથી વધુ ગોળીઓ ખાઇ લીધી

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટર માનસિક તાણ અનુભવતા હોવાનો ત્રીજો કિસ્સો બહાર આવ્યો છે. માનસિક તાણમાં ગઇકાલે સાંજે રેસિડેન્ટ ડોક્ટરે ડિપ્રેશનની વધુ પડતી ગોળીઓ લઇ લેતા તબિયત બગડી  હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જ દાખલ કરવામંા આવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ  સુરતના તાપીનો વતની અને મેડિકલ કોલેજ ન્યૂ બોયઝ હોસ્ટેલમાં રહેતા ૨૫ વર્ષના હર્ષ યોગેશભાઇ પટેલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્સી કરે છે. ત્રણ મહિના અગાઉ જ તેમણે જોઇન્ટ કર્યુ હતું. છેલ્લા  કેટલાક સમયથી માનસિક તાણમાં રહેતા હર્ષ પટેલે ગઇકાલે સાંજે છ વાગ્યે સયાજી હોસ્પિટલના વોર્ડમાં ભૂલથી વધુ પડતી  ગોળીઓ ખાઇ લેતા ચક્કર અને ગભરામણ શરૃ થઇ હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયત સુધરતા તેમના માતા - પિતા વતન લઇ ગયા  હતા.

ઉલ્લેખનીય છે કે, મેડિકલ સ્ટુડન્ટમાં માનસિક તાણના કિસ્સા વધી રહ્યા છે. ૩ મે ના રોજ  ફિઝિયોથેરાપિમાં ઇન્ટર્નશિપ કરતી રાઇશા નામની યુવતીએ ઝેરી દવા  પી લેતા  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. પ જૂનના રોજ ત્વચા વિભાગની રેસિડેન્ટ યુવતીએ માનસિક તાણમાં વધુ પડતી ગોળીઓ ખાઇ લેતા તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર પછી તેની તબિયત સુધરતા રજા આપવામાં આવી હતી.