Gujarat

પાણીગેટમાં રોંગ સાઇડ આવતી મોપેડ ચાલક મહિલાએ મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારતા મોત

By GS TEAM
10 Aug 20251 min read
પાણીગેટમાં રોંગ સાઇડ આવતી   મોપેડ ચાલક મહિલાએ મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારતા મોત

વડોદરા,પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ચાલતા જતા આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને રોંગ સાઇડ મોપેડ લઇને આવતી મહિલાએ ટક્કર મારતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું છે. પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા રાજેશભાઇ મનજીભાઇ પરમાર મજૂરી કામ કરે છે. તેમનો મોટો દીકરો યશ ( ઉં.વ.૨૧) પાણીગેટ આયુર્વેદિક કોલેજમાં બી.એ.એમ.એસ.માં અભ્યાસ કરે છે અને નજીકમાં આવેલી સ્વામિ નારાયણ સોસાયટીમાં ભાડેથી રહે છે. ગત ૮ મી તારીખે સાંજે  સાત વાગ્યે તે પાણીગેટ આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તા  પાસેથી ચાલતો જતો હતો. તે દરમિયાન રોંગ સાઇડ મોપેડ લઇને આવતી મહિલા તેને ટક્કર મારી ભાગી ગઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત યશને સ્થાનિક લોકો સારવાર માટે નજીકમાં જ આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને યશના  પિતાને જાણ કરી હતી. યશના પિતા અને  અન્ય સંબંધીઓ વડોદરા દોડી આવ્યા  હતા. સારવાર દરમિયાન યશનું મોત થયું હતું. બનાવ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એસ. દેસાઇએ નજીકમાં  ફિટ કરેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અકસ્માત કરીને ભાગી ગયેલી મહિલાના મોપેડનો નંબર મળ્યો હતો. જેના આધારે  પોલીસે મહિલાની શોધખોળ  હાથ ધરી છે.