Get The App

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે

એક અઠવાડિયામાં બે આરોપીઓ ઝડપાયા : હજી એકને પકડવાનો બાકી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં  એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે 1 - image

વડોદરા,શહેરમાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી આરોપીઓ કરી  રહ્યા  હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસની ટીમે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અઠવાડિયા  પહેલા જ પોલીસ એક આરોપીને મંદસૌરથી પકડી લાવી હતી અને આજે વધુ એક આરોપીને મંદસૌરથી જેલ વોરંટના આધારે વડોદરા લાવવામાં આવી રહ્યો છે.

માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં  ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતાં એસઓજીની ટીમે ગત તા.૨૫- ૧૧ - ૨૦૨૪ ના  રોજ  શબ્બર હુસેન લિયાકતહુસેન મનસુરી(ઇન્દ્ર કોલોની, જોગાણિયા માતા મંદિર પાસે,વોર્ડ-૨ નજીક, મંદસૌર, મધ્યપ્રદેશ) ને રૃ.૭.૮૪ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌર ખાતે રહેતા ઇમરાન ઉર્ફે બોડીએ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી, પોલીસે ગયા અઠવાડિયે જ તેને ઝડપી પાડયો હતો. 

ત્યારબાદ વધુ એક કેસ પોલીસે ગત ૪ થી ઓક્ટોબરે કર્યો હતો. તેની વિગત એવી છે કે, ઓએનજીસીની સામે રિધ્ધિ એવેન્યૂ  એપાર્ટમેન્ટમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્રભાઇ ભગત(મૂળ રહે.શિવશક્તિ નગર-૨,મકરપુરા ડેપો પાસે) તથા  ડ્રગ્સના વેચાણમાં મદદ કરતા પાર્થ વિષ્ણુભાઇ પટેલ(ગાયત્રીપાર્ક, તુલસીધામ સોસાયટી પાસે,માંજલપુર) ને ઝડપી પાડયા હતા. પોલીસે રૃ.૫.૧૯ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ,બે મોબાઇલ અને ડિજિટલ વજનકાંટો કબજે કર્યા હતા. આ કેસમાં પણ કનેક્શન મધ્યપ્રદેશના મંદસૌરનું ખૂલ્યું હતું. એસ.ઓ.જી. ની ટીમે મંદસૌર ખાતેથી જેલ વોરંટના આધારે  મધ્યપ્રદેશના મંદસૌર ખાતે રહેતા આરોપી મોહંમદ આરીફ ઉર્ફે મંજૂર મોહંમદસલીમ નિયારગરને પકડયો છે. ટીમ તેને લઇને વડોદરા આવવા રવાના  થઇ છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયના નેટવર્કમાં સામેલ એક આરોપીને  હજી પકડવાનો બાકી છે.