વડોદરા, તા.16 શહેરના ફતેગંજ વિસ્તારમાં પીજી તરીકે રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના એમબીએના વિદ્યાર્થીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફતેગંજ વિસ્તારમાં બ્લૂ લગુન હોટલની પાછળ સ્કાય હોમ પીજીમાં રહેતો મૂળ કાશ્મીરનો ૨૫ વર્ષનો યુવાન ગતિક અજયકુમાર દાસ તા.૧૪ના રોજ રાત્રે મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો અને બાદમાં રાત્રે દોઢ વાગે તે પરત આવીને પોતાની રૃમમાં ઊંઘી ગયો હતો. ગઇકાલે સાંજે તે નહી ઉઠતા પીજીના માલિકે ૧૦૮ એમ્બ્યૂલન્સને જાણ કરી હતી. ૧૦૮નો સ્ટાફ સ્થળ પર આવ્યો અને વિદ્યાર્થીને તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન પારુલ યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનું મોત ક્યાં કારણોસર થયું તે તપાસનો વિષય છે. પીએમ રિપોર્ટ બાદ સાચી વિગતો જાણી શકાશે.


