Jamnagar Police : જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની કાજુ હટુ બુંદેલીયા સામે અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી, જે આરોપી બાળકીના કુટુંબી મામાને પોલીસે શોધી કાઢ્યો છે, અને બાળકીનો કબજો સંભાળી મેડિકલ તપાસણી કરાવ્યા બાદ તેના વાલીને પરત સોંપી દેવાઇ છે.
ધ્રોલના વાડી વિસ્તારમાંથી પરમદીને સાંજે પાંચ વર્ષની એક શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ થઈ ગયું હતું, અને બાળકીના પિતા દ્વારા ધ્રોલ પોલીસ મથકમાં પોતાની પુત્રીના અપહરણ અંગે બાજુમાં જ આવેલી એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બુંદેલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની મદદ લેવામાં આવી હતી.
દરમિયાન ગઈ કાલે સવારે ધ્રોલ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓ મારફતે ડબલ સવારી બાઈકમાં બાળકીને વચ્ચે બેસાડીને લઈ જતા વ્યક્તિને સીસીટીવી ફૂટેજના આધારે ધ્રોલના ત્રિકોણ બાગમાં વોચ ગોઠવી આરોપી કાજુ બુંદેલિયાને ઝડપી લીધો હતો અને તેને ધ્રોળ પોલીસ મથકમાં લઈ આવી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે બાળકીનો કુટુંબી મામો હોવાનું અને ભાણેજને ખાવાની ચીજ વસ્તુઓ લઈ દેવાની માંગણી કરી હોવાથી ધ્રોલ પંથકના ગરેડિયા ગામના એક યુવાનના મોટરસાયકલમાં લિફ્ટ માગીને પોતે પડધરી ગામે ગયો હોવાનું જણાવ્યું હતું. જ્યાં કપડા તથા અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કર્યા બાદ પડધરીમાં જ એક કુટુંબીને ત્યાં રાત્રે રોકાણ કર્યું હોવાનું અને ત્યાંથી ધ્રોળ પરત આવતાં ત્રિકોણ બાગ પાસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું કબૂલ્યું હતું. ધ્રોલ પોલીસે બાળકીનો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરાવવામાં આવી હતી, ત્યારબાદ બાળકીનો કબજો તેના વાલીને સોંપી દેવામાં આવ્યો છે, અને આખરે ગુમ થનાર બાળકી તેના પરિવાર પાસે હેમખેમ પહોંચી ગઈ છે.


