Women's Premier League : મહિલા પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ શાનદાર પ્રદર્શન કરતાં રમેલી તમામ પાંચે મેચોમાં વિજય મેળવી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો 4-4 પોઈન્ટ સાથે મધ્યમ સ્થાને છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં છ મેચો રમી છે, જેમાંથી ચાર મેચોમાં હારનો સામનો કર્યો છે. આરસીબી સામે પહેલી મેચ હાર્યા બાદ મુંબઈએ દિલ્હી અને ગુજરાત સામે સતત બે જીત મેળવી હતી, પરંતુ ત્યારબાદ યુપી અને દિલ્હી સામે રમાયેલી ત્રણ મેચોમાં પરાજય ભોગવવો પડ્યો હતો.
યુપી વોરિયર્સની ટીમે શરૂઆતની ત્રણ મેચોમાં આરસીબી, ગુજરાત અને દિલ્હી સામે હાર સહન કરી હતી. જોકે ત્યારબાદ મુંબઈ સામેની બે મેચોમાં વિજય મેળવી ટીમે કમબેક કર્યું છે. દિલ્હી કેપિટલ્સે મુંબઈ અને ગુજરાત સામે પ્રથમ બે મેચો હારી હતી, પછી યુપી સામે જીત મેળવી હતી. ત્યારબાદ આરસીબી સામે હાર બાદ ફરી મુંબઈ સામે વિજય નોંધાવ્યો હતો.
ગુજરાત જાયન્ટ્સની ટીમે શરૂઆતની બે મેચોમાં યુપી અને દિલ્હી સામે વિજય મેળવી સારો આરંભ કર્યો હતો, પરંતુ ત્યારબાદ મુંબઈ અને આરસીબી સામે સતત ત્રણ મેચોમાં પરાજય ભોગવ્યો છે.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ 11 મેચો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. ત્યારબાદની 11 મેચો વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ઉપરાંત, તા.3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને તા.5 ફેબ્રુઆરીએ ફાઈનલ મેચ પણ વડોદરામાં યોજાવાનું આયોજન છે.
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે તા.19 જાન્યુઆરીથી WPL મેચોની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે આરસીબી અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીનો વિજય થયો હતો. આરસીબીએ બનાવેલા 179 રનના લક્ષ્યાંક સામે ગુજરાત જાયન્ટ્સ માત્ર 117 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ ગઈકાલે તા. 20 જાન્યુઆરીએ મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સે વિજય મેળવ્યો હતો. મુંબઈએ બનાવેલા 154 રનના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 155 રન બનાવી હાંસલ કર્યો હતો.
હવે આવતીકાલે તા.22 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે, જે બંને ટીમો માટે પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


