કોર્પોરેશનમાં આધાર કાર્ડ કઢાવવા બોગસ બર્થ સર્ટિફિકેટના કૌભાંડનો સૂત્રધાર પકડાયો,અનેક રાજ્યોમાં નેટવર્ક
આધારકાર્ડ,મરણ દાખલા,માર્કશીટ અને પાસપોર્ટ તૈયાર બનાવતી વેબસાઇટ બનાવી લિન્ક વેચતા બિહારી યુવકને રિમાન્ડ
વડોદરાઃ વડોદરા કોર્પોરેશનમાં આધાર કાર્ડ કઢાવવા માટે બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવવાના બહાર આવેલા કૌભાંડના એક માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં બર્થ સર્ટિફેકેટની સાથેસાથે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવવાના આંતરરાજ્ય નેટવર્કની વિગતો બહાર આવી છે.
વારસીયા વિસ્તાર હેઠળની કોર્પોરેશનની વોર્ડ નં.૪ની કચેરીમાં ગઇ તા.૯મી જૂને પુત્રીના આધારકાર્ડ કઢાવવા ગયેલી તેજલ મારવાડી પાસે બોગસ બર્થ સર્ટિફિકેટ મળતાં કોર્પોરેશનના અધિકારીએ (૧)તેજલ મારવાડી(૨) બર્થ સર્ટિફિકેટ બનાવી આપનાર જય અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપ (મહાકાળી વુડાના મકાનો સામે)ના દુકાનદાર દિપક પટેલ અને (૩) દિપક પાસે બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે ગયેલા તેજલના પતિ સંજુ મારવાડી સામે ફરિયાદ કરી હતી.
આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમે પણ સુપરવિઝન કર્યું હતું.જે દરમિયાન કેફેના સંચાલક દિપક પટેલને તરસાલીના સર્વેશ જયપ્રકાશ તિવારી (ધનલક્ષ્મી રેસિડેન્સી, તરસાલી મૂળ ગોપાલ ગંજ બિહાર)એ બોગસ સર્ટિફિકેટ કાઢવા માટે લિન્ક મોકલી હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે સર્વેશ તિવારીનો મોબાઇલ અને લેપટોપ કબજે લઇ બે દિવસના રિમાન્ડ લેતાં તે વેબસાઇટ ડેવલોપર્સ પાસેથી આધારકાર્ડ, માર્કશીટો,પાસપોર્ટ,જન્મ મરણના દાખલા જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે વેબસાઇટો બનાવી લિન્ક વેચતો હોવાની વિગતો ખૂલી હતી.તેની પાસે અલગ અલગ રાજ્યોના બોગસ બર્થ સર્ટિફિકેટ્સ મળી આવતાં પોલીસ તેના નેટવર્કની તપાસ કરી રહી છે.
ગ્રાહકો શોધવા માટે ભેજાબાજ સર્વેશે આધાર સેવા નામે ગ્રુપ બનાવ્યું હતું
સર્વેશે મોકલેલી લિન્કો લેનાર અને સંપર્કમાં આવેલા 268 જણાની તપાસ
ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવા માટે ગ્રાહકો શોધી રોકડી કરવા માટે ભેજાબાજ સર્વેશ તિવારીએ આધાર સેવાના નામે વોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું.
પોલીસે કહ્યંુ છે કે,સર્વેશ તિવારી પાસે મળેલી વેબસાઇટો અને લિન્કોની તપાસ કરતાં અનેક પ્રકારના સરકારી દસ્તાવેજો બનાવી શકાય તેમ હોવાની માહિતી બહાર આવી છે.
તેની પાસે લિન્કો લેનાર અને તેના સંપર્કમાં રહેતા ૨૬૮ જણા પોલીસના રડારમાં આવ્યા છે.જેમની તપાસ કરવામાં આવશે અને તેમાંથી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.