માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા
ધોેળકામાં સાત મહિનાની બાળકીના અપહરણ મામલે ચોકાવનારો ખુલાસો
મનીષા અને બિનલ સોંલકીએ ઔરંગાબાદમાં રહેતા સમાધાન કેવલ નામના એજન્ટ સાથે મળીને દોઢ લાખ રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હતો
અમદાવાદ,શનિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણ કેસમાં ગ્રામ્ય પોલીસે કરેલી તપાસમાં બાળકોના આંતર રાજ્ય તસ્કરીના મોટા કૌભાંડના પર્દાફાશ થયો હતો. આ કેસમાં મનીષા સોંલકી નામની યુવતી મુખ્ય માસ્ટર માઇન્ડ હતી અને તેણે અત્યાર સુધીમાં ચાર બાળકોનું અપહરણ કરીને હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટો સાથે મળીને નિસંતાન દંપતિ સાથે સોદો કર્યો હતો. ધોળકામાં બાળકીનું અપહરણ કરવા માટે તેણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી હતી. જો કે ઔરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતિને બાળક પહોંચતું કરવામાં આવે તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપીને બાળકીને સલામત રીતે છોડાવી હતી. આતંરરાજ્ય કૌભાંડમાં દેશમાં ચાલતા બાળ તસ્કરીના સૌથી મોટા કૌભાંડનો ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સાત મહિનાની બાળકીનું શ્રીરામ કોમ્પ્લેક્સ પરથી અપહરણ થવાના મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલીને માસ્ટર માઇન્ડ મહિલા સહિત ચાર લોકોની ઔરંગાબાદથી ધરપકડ કરીને બાળકીને સલામત રીતે છોડાવવાની સાથે બાળ તસ્કરીના આતંર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે ધોળકામાં રહેતી મનીષા સોંલકી આ કેસની મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને બિનલને પણ તેણે આ કૌભાંડમાં સામેલ કરી હતી. મનીષા આઇવીએફ પ્રોસેસ માટે સ્ત્રી બીજ દાન કરતી હતી. જેમાં તેને ૨૫ હજાર સુધીની રકમ મળતી હતી. બિનલ આઇવીએફ હોસ્પિટલમાં નોકરી કરવાની સાથે બે વાર સ્ત્રીબીજ દાન કરી ચુકી હતી. પરંતુ, મનીષા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રીબીજ દાન કરતી મહિલાઓ અને તેમના માટે વચેટીયા તરીકે કામ કરતા લોકોના પરિચયમાં હતી.
મનીષાને કેટલાંક એજન્ટો દ્વારા ઓફર કરવામાં આવી હતી કે કેટલાંક નિસંતાન દંપતિ આઇવીએફની પ્રોસેસ કરવાને બદલે નવજાત શીશુ થી માંડીને છ મહિના સુધીના બાળકોની ખાસ ડીમાન્ડ કરે છે. જેમાં મનીષાના બે થી ત્રણ લાખ મળતા હોવાથી તેણે અગાઉ ચાર બાળકોના અપહરણ કર્યા હતા. જેમાં હૈદરાબાદમાં ત્રણ અને મુંબઇમાં એક બાળકને એજન્ટને સોંપ્યુ હતું.
જ્યારે મુળ નાસિકમાં રહેતા એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપે મનીષાને કોલ કરીને બાળકની માંગણી કરી હતી. જેથી મનીષાએ બિનલની મદદ લીધી હતી અને તેણે જયેશને પણ બોલાવ્યો હતો. જયેશે તેમની સાથે ત્રણ દિવસ રેકી કરીને કલીકુંડ પાસેથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી નક્કી થયા મુજબ સવારે બાળકને લઇને મનીષા, બિનલ અને જયેશ અમદાવાદથી ૨૦ કલાક બાદ ઔરંગાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાળકને જગતાપને સોંપી દીધું હતું. પરંતુ, પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોન લોકેશનના આધારે ઔરંગાબાદની ક્રાઇમબ્રાંચની મદદ લઇને અગાઉથી તમામને ટ્રેક કરીને ઝડપી લીધા હતા અને અમદાવાદથી પોલીસની ટીમને ત્યાં મોકલીને બાળકીને સલામત છોડાવવાની સાથે તમામને ઝડપી લીધા હતા.
મનીષા દ્વારા અગાઉ અપહરણ કરાયેલા બાળકો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં તેણે અગાઉ ક્યા એજન્ટો માટે બાળકોના અપહરણ ક્યા વિસ્તારમાંથી કર્યા છે? તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે આ કેસમાં આગામી સમયમાં બાળ તસ્કરીના અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
મનીષા સોંલકીના પતિની પણ બાળ તસ્કરી કેસમાં સંડોવણી
પોલીસે મનીષા સોંલકીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ધોળકામાં બાળકીના અપહરણમાં મનીષાના પતિ મહેશ સોંલકીની પણ સંડોવણી હતી. સાથે સાથે તેણે અગાઉ અપહરણ કરાયેલા બાળકોના કેસમાં પણ મનીષાને સાથ આપ્યો હતો. જેથી પોલીસે આ કેસમાં તેને આરોપી બનાવીને ધરપકડ કરી હતી.
અન્ય ચાર બાળકોની તસ્કરી અંગે તપાસ શરૂ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધોળકાની બાળકીના અપહરણનો ભેદ ઉકેલ્યો હતો. પરંતુ, મનીષાએ અન્ય ચાર બાળકોની તસ્કરી કરી હોવાનું સામે આવતા હવે આ મામલે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી છે. જે માટે મુંબઇ અને હૈદરાબાદ પોલીસનો સંપર્ક કરીને મનીષા સોંલકીને સાથે રાખીને તપાસ કરવામાં આવશે.
પોલીસની ચાર ટીમ દ્વારા કલાકોનું મોનીટરીંગ કરીને સમગ્ર ઓપરેશન પાર પડાયું
ધોળકામાં બાળ તસ્કરીનો મામલો સામે આવતા જ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે કેસ ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિને સમગ્ર કેસ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે સુચના આપી હતી. જેથી કુલ ચાર ટીમ બનાવવામા ંઆવી હતી. જેમા ંધોળકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ડાંગરવાલાની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમિટીયા અને એસઓજીના પીઆઇ એસ એન રામાણી તેમજ ધોળકા ડીવીઝનની એક ટીમ હતી. આ ટીમના ૩૦ થી વધુ કર્મચારીઓએ સતત ૩૦ કલાકથી વધુ સતત કામ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું.
બાળકોની ઉમરના પ્રમાણમાં નાણાં નક્કી થતા હતા
બાળ તસ્કરી કરતી ગેંગની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એજન્ટો બાળકોની ઉમર પ્રમાણે નાણાં આપતા હતા. જેમાં નવજાત બાળક હોય તો તેના માટે બાળકોનું અપહરણ કરનાર મહિલાને ચાર લાખ રૂપિયા આપતા હતા. જ્યારે છ મહિનાથી નવ મહિનાનું બાળક હોય તો તેને દોઢથી બે લાખ રૂપિયા આપવામાં આવતા હતા.
મનીષાની માફક અનેક મહિલાઓ બાળ તસ્કરીમાં સક્રિય હોવાની શક્યતા
પોલીસે મનીષા સોંલકીના વોટ્સએપ ડીટેઇલ અને બાબતો તપાસી ત્યારે જાણવા મળ્યું હતું કે તે દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રી બીજ દાન કરતી મહિલાઓ સાથે સંપર્કમાં રહેતી હતી અને સ્ત્રીબીજ માટે કામ કરતા એજન્ટો સાથે પણ નિયમિત વાત કરતી હતી. એજન્ટો પાસે નિસંતાન દંપતિની વિગતો હોવાથી તે મનીષાની માફક અન્ય મહિલાઓને પૈસાની લાલચ આપીને સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં બાળતસ્કરીનું રેકેટ ચલાવતા હોવાની વિગતો મળી છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.