જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડાણ કટ કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લામાં બાકી રોકાતી વીજ બિલની વસૂલાત માટે વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે .ચાલુ માસમાં જ 750 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.
પીજીવીસીએલ - જામનગર વર્તુળ કચેરી હેઠળ ના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના વીજ ગ્રાહકોની નાણાકીય વર્ષ 2025-26ના ફેબ્રુઆરી-2026 દરમ્યાન વીજ બીલ પેટે કુલ બાકીદારો 114080 ની રૂ. 51.58 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલ ની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસ માં જ નાણા ની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંગે વીજજોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે 170થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડ્યે ટીસી ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને જે અંતર્ગત ફેબ્રુઆરી-2026 દરમ્યાન કુલ 48,923 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂ. 20.94 કરોડ ભરપાઈ કરી આપેલ છે. તેમજ કુલ ૭૫૦ જેટલા ગ્રાહકો કે જેના બાકી લહેણાં રૂ. 1.73 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજ જોડાણો કાપી નાખવામાં આવેલ છે અને હજુ બાકી રહેલ 64,407 બાકીદારોની લેણી રકમ રૂ. 28.91 કરોડની સામે વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે, અને ચાલુ માસમાં રકમ ભરપાઈ નહી કરવામાં આવે તો કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે.
વીજબિલના નાણાની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઈ થાય તે માટે ગ્રાહકો ને અનુરોધ કરવામાં આવે છે કે. આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માથી મુક્ત રહી શકાય.
ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, ઈ.સી.એસ., ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM , પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા, કંપની ની વેબસાઇટ WWW.PGVCL.COM મારફત UPI મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, એ.ટી.એમ. મશીન (HDFC / ICICI / BOB બેંકોના), RTGS/NEFT. વગેરે મારફત બિલ ની ચકાસણી થઈ શકે છે તેમ અધિક્ષક ઇજનેર (પીજીવીસીએલ, વર્તુળ કચેરી, જામનગર)ની યાદીમાં જણાવાયું છે.









