Get The App

સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં 1 - image

Fire Erupts in Idar Hills of Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડરિયો ગઢ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં ગુરૂવારે (12મી માર્ચ) બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો હતો. કાળઝાળ ગરમી અને પવનના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ડુંગર પરની અમૂલ્ય વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા.

ફાયર વિભાગની 12 કલાકની ભારે જહેમત

આગની ગંભીરતાને જોતા ઇડર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે, આગ વધુ વકરતા હિંમતનગર ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. ઈડર અને હિંમતનગરની કુલ 5 ફાયર ફાઈટર અને 24 જેટલા કર્મચારીઓએ આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું. સતત 12 કલાકની ભારે મથામણ બાદ આજે (13મી માર્ચ) વહેલી સવારે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

આ પણ વાંચો: યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી

વન્યપ્રાણીઓ પર તોળાયું સંકટ

ઉલ્લેખનીય છે કે, ઇડરના આ ડુંગરો દીપડા, રીંછ અને અન્ય વન્ય પ્રાણીઓ તેમજ પશુ-પક્ષીઓનું કુદરતી રહેઠાણ છે. આગના કારણે આ અબોલ જીવોના જીવ પર જોખમ ઊભું થયું છે. વન્યજીવોના આશ્રયસ્થાનો નાશ પામતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વિસ્તાર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો હોવા છતાં, ઘટના બાદ વન વિભાગ દ્વારા લેવાયેલી ઢીલી કામગીરીને લઈને જીવદયા પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે વન વિભાગ દ્વારા આગોતરું આયોજન અને કડક પેટ્રોલિંગ કરવામાં આવે.