ચાંદી કામનાં યુનિટમાં ધડાકા સાથે ભીષણ આગ, કારીગર જીવતો ભૂંજાયો

રાજકોટના દિવાનપરા વિસ્તારની અરેરાટીજનક ઘટના
આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટયો, નવ કારીગરો જીવ બચાવી ભાગ્યાઃ આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની તપાસ
ગઇકાલે દસેક કારીગરો ચાંદી કામ અને પાલીસ ઉપરાંત બફનું કામ કરી રહ્યા હતા ત્યારે ડ્રમ પોલીસ મશીનમાં હીટીંગને કારણે શોર્ટ સર્કિટ થઈ હતી, જેના પરિણામે આગ ભભૂકી ઉઠી હતી. સ્થળ પર રાંધણ ગેસના ચારેક સિલિન્ડર પણ હતાં. આગ ત્યાં સુધી પહોંચી ગઇ હતી, જેને કારણે એક સિલિન્ડર ફાટતા આગ ભીષણ બની હતી.
કારીગરોએ પોતાની રીતે આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા નહીં મળતા જીવ બચાવી ભાગ્યા હતાં. આ દરમિયાન રામનાથપરામાં રહેતા પલાસ નિયોગી (ઉ.વ.૪૮) નામનો કારીગર ભડથુ થઇ ગયો હતો. જ્યારે બીજો એક કારીગર સહેજ દાઝી ગયો હતો. જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાયર ફાઇટરો સાથે સ્થળ પર દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી નાખી હતી. ત્યાં સુધીમાં ટેરેસ પર રહેલો ડોમ સંપૂર્ણપણે ખાખ થઇ ગયો હતો.
જાણ થતા એસીપી અને એ ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો. એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. આગ ખરેખર ક્યા કારણથી લાગી તેની હવે એફએસએલ તપાસ કરશે.








