વડોદરાના સાવલી ખાતે લામડાપુરા ગામ પાસે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર
Vadodara Fire : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંમડાપુરા ગામ પાસેની પી.આઈ. પોલી બ્લેન્ડઝ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા. બનાવની જાણ થતા જ મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મંજુસર જીઆઇડીસીમાં આવેલી પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી કંપનીમાં આજરોજ સવારે કોઈક કારણસર આગ લાગી હતી. કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનું મટીરીયલ મૂકવામાં આવેલું હોય આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોત જોતામાં વિકરાળ બનેલી આગના ધુમાડા આકાશમાં દૂર સુધી ઉડતા જોવા મળતા કંપની ખાતે લોકોના ટોળા જામ્યા હતા. જોકે વડોદરા ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનું જાણ થતા તુરંત ટીમો રવાના થઈ હતી. ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોના ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કંપનીમાં પડેલા પ્લાસ્ટિકના માટીરિયલના કારણે આગ વધુ ને વધુ વિકરાળ બનાવતી હોય આગ કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જોકે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.