ખેડા બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગથી દોડધામ
- 1 કિ.મી. સુધી ધૂમાડાના ગોટાં છવાયા : ઝૂંપડું બળીને ખાક
- ખેડા, ધોળકા, અમદાવાદ સહિતના ૮ ફાયર ફાઈટરોનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ઃ સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ખેડા બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની જાણ થતાં જ ખેડા અને નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી ૮ થી ૧૦ જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ખેડા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, ઓએનજીસી, મહેમદાવાદ અને ખાનગી કંપનીના ફાયર બ્રિગેડના જવાનોએ ગોડાઉનને ચારેય તરફથી કોર્ડન કરી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મોડી સાંજ સુધી મોટાભાગની આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે, પરંતુ સંપૂર્ણપણે કાબુ મેળવવામાં હજુ પણ સમય લાગી શકે છે. આ ઘટનાને પગલે ખેડા પ્રાંત અધિકારી, ખેડા ટાઉન પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હોવાથી વધુ પ્રસરવા પામી હતી.
ફાયર ઓફિસરને બપોરે ૨.૪૦ વાગ્યે કોલ મળ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ હતી. આગની ગંભીરતાને જોતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી આગ વધુ ફેલાય નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા, જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ થોડા સમય માટે ખોરવાઈ હતી.
ગોડાઉનની બાજુમાં રાઈસ મિલ હોવાથી આગ વધુ પ્રસરી : ફાયર ઓફિસર
ફાયર અધિકારી ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ મોટું હોવાથી મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. ગોડાઉનની બાજુમાં રાઈસ મિલ પણ આવેલી હોવાથી આગ વધુ પ્રસરી હોવાનું અનુમાન છે. હાલ ફાયર બ્રિગેડની પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવી દેવાની છે, ત્યારબાદ નુકસાનીનો અંદાજ અને આગ લાગવાનું કારણ શોધી શકાશે.