સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો
વડોદરાઃ સયાજીપુરામાં વડોદરા એપીએમસી ખાતે આવેલી ફ્રુટની દુકાનોમાં ગઇ મોડી રાતે ભીષણ આગ લાગતાં ચાર દુકાનો ખાક થઇ ગઇ હતી.
વડોદરા એપીએમસીનું સયાજીપુરા ખાતે શાકમાર્કેટ આવેલું છે.જેનાથી થોડે દૂર ફ્રુટ માર્કેટ પણ આવેલું છે.આ ફ્રુટ માર્કેટની કેટલીક દુકાનોનો કોલ્ડ સ્ટોરેજ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
ગઇરાતે દુકાનો બંધ કરી વેપારીઓ ઘેર ગયા ત્યારે એક દુકાનમાં આગ લાગી હતી.જેનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.આગમાં કેરી,સફરજન જેવા ફ્રુટના બોક્સનો જથ્થો, પૂઠા,પેપર,સ્ટોર કરેલું ફ્રુટ સહિતની ચીજો આગમાં લપેટાઇ ગયા હતા.
આગનું તાંડવ જોતાં ત્યાં હાજર શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ઇઆરસીના ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર સહિતના અધિકારીઓની ટીમો પાંચ ફાઇટર સાથે બે કલાક સુધી કામે લાગ્યા હતા અને આગ કાબૂમાં લીધી હતી.આ બનાવમાં ભગવાનદાસ બોધવાણીના કોલ્ડ સ્ટોરેજ, કનૈયાલાલ લક્ષ્મીદાસની એક દુકાન અને પીસી ફ્રુટના પ્રદિપભાઇની બે દુકાનને ભારે નુકસાન થયું હતું.
ફ્રુટ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ,વેપારીઓને નોટિસ અપાશે
સયાજીપુરાના ફ્રુટ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઇ આવ્યો હતો.સ્ટેશન ઓફિસર વિનોદ મોહિતેએ કહ્યું હતું કે,કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં આગના સમયે ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નહતા.જેથી ફાયર બ્રિગેડ દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવનાર છે.