Get The App

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં 'એલબી ટેક્સ' કંપનીમાં ભીષણ આગ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
બાવળાની કેરાળા જીઆઇડીસીમાં 'એલબી ટેક્સ' કંપનીમાં ભીષણ આગ 1 - image

બાવળા, ધોળકા, અમદાવાદની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

કંપનીના કર્મચારીઓ સમયસર ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી

બગોદરા - અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી 'એલબી ટેક્સ' નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૃપ એટલું વિકરાળ હતું કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગના વિકરાળ સ્વરૃપને ધ્યાનમાં રાખીને બાવળા, ધોળકા, અમદાવાદ ફાયર બ્રિગેડની અંદાજે ૬થી ૭ ગાડીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે જહેમત શરૃ કરી દીધી હતી.

આ કંપનીમાં કામકાજ દરમિયાન ગેસ સિલિન્ડરનો પણ ઉપયોગ થતો હોવાથી મોટો વિસ્ફોટ થવાનો અને ગંભીર જાનહાનિ થવાનો મોટો ભય સેવાઈ રહ્યો હતો. જોકે, આ સમયે કંપનીના કર્મચારીઓની સમયસૂચકતા અને હિંમતને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આગ વધુ પ્રસરતાં પહેલાં જ તમામ કર્મચારીઓએ મળીને જોખમી ગેસની બોટલોને જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. કર્મચારીઓના આ સમયસરના અને બહાદુરીભર્યા પગલાંને કારણે મોટી જાનહાનિ થતાં ટળી અને એક પ્રકારે મોટી આપત્તિનો ભય દૂર થયો.

ફાયર વિભાગ દ્વારા કલાકોની અથાગ જહેમત બાદ આખરે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યા બાદ નુકસાનનો અંદાજ મેળવવામાં આવશે.