વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર
આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભાયલી, દાંડીયા બજાર, વડીવાડી ફાયર બ્રિગેડ સહિતનો ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.










