ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Fire at Chemical Company : ઉમરગામ તાલુકાના સરીગામ કેમિકલ ઝોનમાં આવેલી કંપનીમાં ગઈકાલે શુક્રવારે મધરાતે ભીષણ આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર ભિલાડ નજીકના સરીગામ ખાતે કેમિકલ ઝોનમાં જીવન કેમિકલ નામક કંપની આવેલી છે. ગઇકાલે શુક્રવારે મધરાતે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. આગ વધુ આક્રમક બનતા જોતજોતામાં આખી કંપની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
ઘટનાને પગલે સરીગામ, ઉમરગામ, વાપી સહિતના ફાયર વિભાગના બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ કારણ બહાર આવી શક્યું નથી. અત્રે નોંધનીય છે કે ઉમરગામમાં આવેલી કંપનીમાં આગ કે અન્ય બનાવો વેળા ફાયર સુવિધાના અભાવે મુશ્કેલી ઉભી થયાનું બહાર આવ્યું હતું. ત્યારે કંપનીની બેદરકારી મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ ભેદીમૌન સેવી રહ્યા છે. તંત્ર ગંભીર બની બેદરકારી દાખવનાર કંપની સંચાલકો સામે કડક પગલા ભરે તે જરૂરી છે.