VIDEO: અમદાવાદના ચાંદખેડા અકસ્માતમાં નવો ખુલાસો, પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલ મળી
Ahmedabad Chandkheda Accident News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે. અહીં એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું જેની ઓળખ વિકાસ શુક્લા તરીકે થઇ હતી જે એસયુવીમાં ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠો હતો. તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.
કારચાલકની બાજુમાં બેસેલો વ્યક્તિ મૃત્યુ પામ્યો
સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસ બાદ જાણકારી મળી છે કે આ કાર પ્રકાશ કુમાર શંભુનાથ સિંહ (37) ચલાવી રહ્યો હતો. તે ચાંદખેડાનો જ રહેવાશી હતો. પોલીસે જ્યારે ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરી તો અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. એટલા માટે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કારચાલક અને મૃતક વ્યક્તિ દારૂના નશામાં હોઇ શકે છે. જોકે હાલ આ તપાસનો વિષય છે.
ડીસીપી સફીન હસનનું નિવેદન
આ મામલે ડીસીપી સફીન હસને કહ્યું કે અમને ગાડીમાંથી દારૂની તૂટેલી બોટલ મળી આવી છે. બની શકે કે કારમાં સવાર બંને લોકો દારૂના નશામાં હોઈ શકે છે. એટલા માટે અમે મૃતક તથા કારચાલક બંનેના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપ્યા છે. જો રિપોર્ટમાં આલ્કોહોલ સેવનનો ખુલાસો થશે તો આ મામલે ત્વરિત કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
કેવી રીતે થયો અકસ્માત
માહિતી અનુસાર સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરઝડપે કાર દોડી રહી હતી તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કારચાલક મુંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી.
સ્થાનિક મહિલાએ ઘટના વિશે આપી માહિતી
ઘટના વિશે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે આ ઘટના જ્યાં બની હતી તેની સામે જ એમનું ફ્લેટ હતું. જેવા જ અમે ઘરમાં ઘૂસ્યાં જ હતા કે ત્યાં અમને ધડાકાભેર અકસ્માતનો અવાજ આવ્યો. અમે તરત દોડીને બચાવ કામગીરી કરવા માટે આવી ગયા. કોઈ હાથ નહોતો લગાવતો એટલે મેં લોકોને મદદ કરવા આગ્રહ કર્યો પછી લોકોએ જેમ તેમ કરીને એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સીટ પર બેઠો હતો તેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો જ્યારે બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠો હતો તેને અમે બચાવી ના શક્યા. તે લગભગ મૃત્યુ પામી ગયો હતો. ત્યારબાદ ઘટના વિશે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી જેના પછી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.