Gujarat

માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો

By GS TEAM
13 Dec 20252 mins read
માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો

- મિલકત વેરો વસુલવા માટે મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ યથાવત 

- શુક્રવારે એક દિવસમાં 398 કરદાતાએ રૂા. 45.26 લાખનો મિલકત વેરો ભર્યો : મહાપાલિકાને કુલ રૂા. 147.30 કરોડની આવક  

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મિલકત વેરો વસુલવા માટે દર વર્ષે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે એક માસથી મિલકત વેરો વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવી રહી છે. 

મહાનગરપાલિકાએ ગત તા. ૧૦ નવેમ્બર-ર૦રપ થી મિલકત વેરો વસુલવા માટે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે, જેના પગલે કરદાતાઓ મિલકત વેરો ભરી રહ્યા છે. ગત તા. ૧૦ નવેમ્બરથી તા. ૧ર ડિસેમ્બર દરમિયાન એટલે કે, એક માસમાં ૩૮૬પ કરદાતાએ રૂા. ૬.૪૩ કરોડનો મિલકત વેરો ભર્યો હતો અને મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવી હતી. આજે શુક્રવારે એક દિવસમાં ૩૯૮ કરદાતાએ રૂા. ૪પ.ર૬ લાખનો મિલકત વેરો ભર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ચોપડે કુલ ૩.૧૦ લાખ મિલકત ધારક નોંધાયેલા છે, જેમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં ૧.૮૬ લાખથી વધુ મિલકત ધારકોએ કુલ રૂા. ૧૪૭.૩૦ કરોડથી વધુનો વેરો ભર્યો છે. મિલકત જપ્તીની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ માહિતી આપતા મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

એક માસમાં 800 થી વધુ મિલકતની સીલ કરાઈ 

ભાવનગર મહાનગરપાલિકાએ મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા એક માસમાં ૮૦૦ થી વધુ મિલકતને સીલ મારવામાં આવી છે અને વેરો ભરી દે તે મિલકતના સીલ ખોલી નાખવામાં આવતા હોય છે. આગામી દિવસોમાં હજુ વધુ મિલકતોને સીલ મારવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવ્યુ હતું.