Gujarat

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર

By GS TEAM
5 Apr 20262 mins read
ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર

- પોલીસે બન્ને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ - કન્સ્ટ્રક્શન કર્યું 

- બે દિવસ પૂર્વે યુવાનને છરી વડે ઇજા કરી રોકડ મોબાઈલની લૂંટ ચલાવી હતી

ભાવનગર : ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે ગુરુવારની મોડી રાત્રિના ભાવિ યુગલ સાથે છરીની અણીએ મોબાઈલ,રોકડા સહિતની લૂંટને અંજામ આપી બે બુકાનીધારીઓએ હિંસક હુમલો કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર બુકાનીઘારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભીની સગાઈ એક વર્ષ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનદીપસિંહ દિલિપસિંહ યાદવ સાથે થઈ હતી. ગત ગુરુવારની રાત્રે ફિયાંસ મનદીપસિંહ તથા સાસુ-સસરા અને નાનાજી સહિતના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા અને બહાર જમીને આવ્યા બાદ તેમના ફિયાંસ મનદીપસિંહ તેમને શિવાજી સર્કલ તેમના ઘરે મુકવા માટે નિકળ્યા હતા અને આ દરમિયાન કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા તેવામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી ભાવિ કપાળને છરી બતાવી  મનદીપસિંહના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને આ બુકાનીધારીને પૈસા આપવા મનદીપસિંહે પાકિટ કાઢતા ઉક્ત લોકોએ મનદીપસિંહ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર વિપુલ જીવરાજભાઈ જાદવ (રહે ,બોરતળાવ મફતનગર ), હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ (રહે .હાલ રહે વાળુકડ ગામ )ને ઝડપી લઈ પોલીસે બંનેને સાથે રાખી રિ - કન્સ્ટ્રક્શન કર્યું હતું.