રસ્તામાં ભ્રષ્ટાચારનાં બેનર્સ ફરકાવતા વિપક્ષી સભ્યો સાથે માર્શલોની ઝપાઝપી

રાજકોટ મનપાની સભામાં 3 વિપક્ષી સભ્યો ઉપર 9 માર્શલ : લોકના પ્રશ્નો કચડી મેયરે સ્વચ્છતા ગ્રાન્ટની માહિતીનું કમિશનર પાસે શુષ્ક વાંચન કરાવ્યું! : ભાજપ-કોંગ્રેસ હાય હાયના સૂત્રોચ્ચારો : બીનલોકશાહી ઢબથી 2 અરજન્ટ સહિત 18 મહત્વની દરખાસ્તો 9 સેકન્ડમાં જ મંજુર કરી દીધી
રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની દર બે મહિને ફરજીયાત બોલાવવાની હોવાથી મળતી સામાન્ય સભામાં આજે પૂર્વધારણા મૂજબ પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડાવીને શાસકોએ જે પ્રશ્નો નથી તેવી વાહવાહીનું વાતોમાં પ્રશ્નોત્તરીનો એક કલાક બગાડતા કોંગ્રેસ અને ભાજપના પણ કોર્પોરેટરો અકળાયા હતા અને આઉટ ઓફ વે જઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિપક્ષી સભ્યો અને માર્શલ વચ્ચે રસ્તાકામમાં ભ્રષ્ટાચારના બેનરો ફરકાવવા અને છિનવવા માટે ઝપાઝપી થઈ હતી અને એકંદરે બોર્ડનું કામકાજ શરમ અનુભવાય તેવી રીતે પૂર્ણ થયું હતું.
સફાઈની ગ્રાન્ટ કેટલી મળી તેની અધિકારીઓએ લખેલી માહિતીનું કમિશનરે શુષ્ક વાંચન કરતા વિપક્ષના નેતા વશરામ સાગઠીયાએ વચ્ચે ઉભા થઈને રસ્તાનો પ્રશ્ન ઉઠાવતા સભાધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાની દર વખતની જેમ બેસી જાઓ, વચ્ચે ન બોલો તેવી શિખામણને અવગણીને તેમણે કહ્યું રસ્તા માટે ગત વર્ષે રૂ।. 476 કરોડને મંજુરી, વોર્ડ દીઠ રૂ।. 13 કરોડનો ખર્ચ છતાં ભંગાર રસ્તા છે, રસ્તાકામના સેમ્પલના રિપોર્ટ જાહેર કરી પગલા લેવાને બદલે કોન્ટ્રાક્ટરો સાથે સેટીંગ કરાય છે, શહેરમાં 3000 ખાડા પડ્યા છે જેમાં કોણ જવાબદાર તેની તપાસ જ કરાવી નથી.
આ સાથે વિપક્ષે 'રસ્તાકામમાં ભ્રષ્ટાચાર', 'મહિલાઓનુ અપમાન બંધ કરો' તેના બેનર્સ ફરકાવતા વિપક્ષના ત્રણ સભ્યો ઉપર મુકાયેલા 9 માર્શલોએ તે છિનવવા ઝપાઝપી કરતા શર્મનાક દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ ભાજપ હાય હાય અને બીજી તરફ કોંગ્રેસ હાય હાયના સૂત્રોચ્ચારો બન્ને પક્ષે કર્યા હતા અને બાદમાં વિપક્ષી સભ્યોએ સભાત્યાગ કર્યો હતો. બાદમાં બીનલોકશાહી ઢબથી 2 અરજન્ટ સહિત 18 મહત્વની દરખાસ્તો 9 સેકન્ડમાં જ મંજુર કરી દીધી હતી.








