Jamnagar : જામનગરમાં નવાગામ ઘેડ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી અને ડિપ્લોમા કોમ્પ્યુટર ઇજનેર એવી એજ્યુકેટેડ પરિણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ, સાસુ, સસરા, તેમજ નણંદે વિના કારણે ત્રાસ ગુજારી મારકુટ કરી ઘરમાંથી હાંકી કાઢી હતી. આથી પરણીતાએ ભારે હૃદયે પોતાના લગ્ન જીવનના દિવસે જ પોતાને ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ, સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી ખુશ્બુબેન રમેશભાઈ મકવાણા નામની 26 વર્ષની યુવતી કે જેણે ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર તરીકેનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે, અને તેણીના લગ્ન આજથી બે વર્ષ પહેલાં 22.1.2024 ના દિવસે નવાગામ ઘેડ, વિનાયક પાર્ક સોસાયટીમાં રોનીત રેસીડેન્સીમાં રહેતા હાર્દિક દિલીપભાઈ પરમાર સાથે થયા હતા.
લગ્નની શરૂઆતમાં થોડો સમય માટે સંસાર બરાબર ચાલ્યો હતો, પરંતુ માત્ર ચાર મહિના પછીથી પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા ખુશ્બુબેનને વિના કારણે ઘરમાં નાની નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડો કરવામાં આવતો હતો, અને તમામ સાસરીયાઓએ ક્રૂરતા આચરીને ગાળો આપી મારકુટ કરાઈ હતી, અને આખરે તેણીને માત્ર પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. જેથી ખુશ્બુબેન પોતાના માવતરે રહેવા આવી ગઈ હતી, અને આ મામલો મહિલા પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જયાં તેણીએ પોતાના પતિ વગેરે વિરુદ્ધમાં અરજી કરી હતી, જેમાં પોલીસ દ્વારા બંને વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિ ખુશ્બુબેનને રાખવા માટે તૈયાર થયા ન હતા. એટલું જ માત્ર નહીં માવતરે પણ આવીને ધાકધમકીઓ આપી જતા હતા.
આથી આખરે ખુશ્બુબેને પોતાના લગ્ન જીવનના દિવસે એટલે કે 22મી જાન્યુઆરીએ પોતાના સાસરિયાઓ સામે સીતમ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના પોલીસે ખુશ્બુબેનના પતિ હાર્દિક દિલીપભાઈ પરમાર, સાસુ ભાવનાબેન દિલીપભાઈ પરમાર, સસરા દિલીપભાઈ પરસોત્તમભાઈ પરમાર અને નણંદ સીમાબેન મિતેશભાઇ જોષી સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 85, 115(2), 352, અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. સાસરિયાઓના ત્રાસનો ભોગ બનેલી પરણીતી યુવતીએ પોતાના લગ્નના દિવસે જ ભારે હૃદયે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.


