Get The App

શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ 1 - image

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ૩૦ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક બે સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મીઠાલી ગામે રહેતા સ્નેહલબેન અનિલભાઈ વણકર (ઉ.વ. 30) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મૃતદેહને તાત્કાલિક શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

પિયરપક્ષનો ગંભીર આક્ષેપ 

એક તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ મૃતકના પિયરપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે. પિયરીયાઓના જણાવ્યા મુજબ, સ્નેહલબેન પર તેમના પતિ દ્વારા અસહ્ય માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો, જેનાથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પિયરપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પગલે મામલો ગરમાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ થાય તે માટે પોલીસે મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં શહેરા પોલીસે આ મામલે અકસ્માતે મોત અન્વયે જાણવાજોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે સંતાનોની માતાના અકાળે અવસાનથી પરિવારજનોમાં ઘેરો શોક છવાયો છે.