દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષેપ
Representative Image |
Dahod News : દાહોદના લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ, સાસુ-સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ રેલવે ટ્રેક પર ઝંપલાવ્યું હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે. આ દુર્ઘટનામાં માતા અને બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા છે.
લીમખેડામાં પરિણીતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, લીમખેડામાં મહિલાએ તેના પાંચ અને ત્રણ વર્ષના બે બાળકો સાથે ટ્રેન આગળ ઝંપલાવીને જીવન ટૂકાવ્યું. સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. દીકરીના આપઘાત મામલે પિયર પક્ષ દ્વારા આક્ષેપ કર્યો છે કે, 'અમારી દીકરીને છેલ્લા 10 વર્ષથી સાસરિયા દ્વારા માનસિક-શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.'
આ પણ વાંચો: ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ
મૃતક મહિલાના પિતાએ કહ્યું કે, 'મારી દીકરીને પેટે પાટા બાંધીને બીએડ ભણાવી. તેના પતિ, સાસુ-સસરા દ્વારા ઝઘડા કરીને અવાર-નવાર ત્રાસ આપતા હતા. મારી દીકરીને માર પણ મારતા હતા. ત્રણેય આરોપીને સખ્ત સજા કરવામાં આવે.' જ્યારે બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.