જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીના અંત લાવી દેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા હરિભાઈ ઉકાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પીએસઆઇ એચ.બી. વડાવીયા એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતિ ને આજથી ત્રણ મહિના પહેલાં એક બાળકનો જન્મ થયો હતો, અને તે બાળકનું આશરે સવા મહિના પહેલાં બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું, ત્યારથી મૃતક યુવતી ટેન્શનમાં રહેતી હતી, અને લાગણીશીલ સ્વભાવની હોવાથી પોતાના સંતાનના વિયોગમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.








