સાસુ-નણંદના મેણાંટોણાં અને ત્રાસથી પરિણીતાનો આપઘાત
- વલ્લભીપુર તાલુકાના પચ્છેગામનો બનાવ
- કરિયાવરમાં ફ્રીજ, વોશિંગ મશીન, ડાયનિંગ ટેબલની માંગણી કરી ત્રાસ આપતા હતા
જેસરના કાત્રોડિયા ગામે રહેતા યુવરાજસિંહ નારૂભા સરવૈયાએ તેમની દિકરી રિયાંશીબા ઉર્ફે રિંકલબા (ઉ.વ.૨૪)ના લગ્ન વલ્લભીપુરના પચ્છેગામના યશપાલસિંહ હઠુભા ગોહિલ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ શરૂઆતમાં તેમની દિકરીને સારી રીતે રાખ્યા બાદ તેમના સાસુ ગજરાજબા ઘેલુભા ગોહિલ અને કાજલબા જયસિંહ ઝાલા અવારનવાર કરિયાવર બાબતે મેણાં મારી તથા ફ્રીઝ, ડાઈનિંગ ટેબલ, ટીવી અને વોશિંગ મશીનની માંગણી કરી પરેશાન કરી ત્રાસ આપતા હતા. જે અંગે તેમને જણાવતા દિવાળી બાદ કપાસનું વેચાણ કરી માંગણી મુજબ વસ્તુ આપવા યુવરાજસિંહે જણાવ્યું હતું. તેમ છતાં અવારનવાર તેમની દિકરી રિયાંશીબાને હરેના કરી ત્રાસ આપતા હોવાથી ગત તા.૨૧-૦૭ના રોજ રિયાંશીબાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવરાજસિંહ નારૂભા સરવૈયાએ વલ્લભીપુર પોલીસ મથકમાં ગજરાજબા ઘેલુભા ગોહિલ અને કાજલબા જયસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.