Gujarat

પાડોશીએ ધરાર સબંધ રાખવા દબાણ કરતાં પરિણીતાએ આપઘાત વ્હોર્યો

By GS TEAM
22 Jun 20251 min read
પાડોશીએ ધરાર સબંધ રાખવા દબાણ કરતાં પરિણીતાએ આપઘાત વ્હોર્યો

- ઢસાની મહિલાના ટ્રેન નીચે ઝંપલાવવાના પ્રકરણમાં વળાંક 

- મૃતકના પતિએ પાડોશી વિરૂદ્ધ પત્નીનેે ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી

ભાવનગર : ઢસામાં બે દિવસ પૂર્વે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરનાર પરિણીતાના મોત  મામલે નવો  અને અણધાર્યો વળાંક આવ્યો છે. પાડોશી શખ્સે ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી પરિણીતાને મરવા મજબૂર કર્યાની મૃતક પતિએ ફરિયાદ નોંધાવી છે. 

ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ શીતળાપરામાં રહેતા વિજયભાઈ સવજીભાઈ વાઘેલાના પત્ની કાજલબેનના ઘરની સામે રહેતો કરણ પ્રવીણભાઈ વણોદીયા પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા માટે અવર-નવાર દબાણ કરતો હતો.ગત તા.૧૮ના સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ કરણના પત્ની પુજાબેને ઘરે આવી કાજલબેન સાથે પોતાના પતિ કરણ સાથે સંબંધ રાખવા બાબતે બોલચાલી ઝઘડો કર્યો હતો. તેવામાં કરણ આવી તેણે તેની પુંજાબેનને માર માર્યો હતો અને 'તુ તારા પિયર જતી રહે મારે આ કાજલને જ મારા ઘરમાં બેસાડી દેવાની છે' તેવું કહેતા સામે રહેતાં પરિણીતા કાજલબેનને મનમાં લાગી આવ્યું હતું. પાડોશી કરણના અવર-નવારના ત્રાસથી કંટાળી કાજલબેને ગત તા.૧૯ના રોજ માંડવાગામ પાસે રેલવેના પાટા પર પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હતી.બનાવના બે દિવસ બાદ મૃતક પરિણીતાના પતિએ પાડોશમાં રહેતા કરણ પ્રવિણભાઈ વણોદીયા વિરૂદ્ધ તેની પત્ની સાથે ધરાર પ્રેમ સંબંધ રાખી મરવા મજબૂર કર્યાની ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવે નાના એવા ગામમાં ભારે ચકચાર મચાવી છે.