Gujarat

પતિ, સાસુના ત્રાસથી પરિણીતાનો ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ

By GS TEAM
14 Aug 20252 mins read
પતિ, સાસુના ત્રાસથી પરિણીતાનો ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ

ગાંધીનગરના સરગાસણ વિસ્તારનો બનાવ

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પતિએ બે વર્ષથી બેકાર રહી દેવું કરતાં રોજની માથાકુટ ઃ પૈસા માંગીને મારતો હોવાની ફરિયાદ 

ગાંધીનગર :  ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક સાથે ૧૦ પેઇન કિલર ગોળીઓ ગળી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં તેને સારવારાર્થે સિવિલમાં ખસેડાઇ છે. પ્રેમ લગ્ન કરનારા યુવતિએ ફરિયાદ નોંધાવીને તેમાં જણાવ્યું છે, કે તેનો પતિ બે વર્ષથી બેકાર છ અને દેવુ કરતો હોવાથી રોજની માથાકુટ શરૃ થયા બાદ તે માર મારીને પૈસા માંગવા લાગ્યો હતો.

સરગાસણમાં રહેતી આશાબેન નામની પરિણીતાએ પતિ કેતનભાઈ શર્મા અને સાસુ વિજયાબેન સામે નોંધાવેલી પોલીસ સમક્ષની ફરિયાદમાં જણાવ્યું છે, કે પોતે ઇન્ફોસિટીમાં બેંકના ક્રેડિટ કાર્ડના વેચવાની નોકરી કરે છે. તેણે ૨૦૨૧માં કેતન શર્મા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. બાદમાં પતિને કાર ચલાવવાનો ધંધો કરવો હોવાથી આશાબેને લોન લઈને પૈસા આપ્યા હતા. જોકે ધંધામાં નુકસાન જતાં કેતને કામ બંધ કર્યુ હતું અને બે વર્ષથી તે કોઈ કામ કરતો નહોતો. વધુમાં જણાવ્યા પ્રમાણે ત્યારથી પતિ અને સાસુ સતત પૈસાની માંગણી કરીને ત્રાસ આપવા લાગ્યા હતાં. ગત ૪ જુલાઈની રાત્રે દેવું કરીને પૈસા લાવવા બાબતે બોલાચાલી બાદ કેતને માર માર્યો હતો. દરમિયાન તાજેતરમાં પતિએ ફરિયાદીની બહેનપણી પાસેથી બે લાખ રૃપિયા ઉધાર લીધાની જાણ થતાં આ મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો. જેના પગલે લાગી આવતા આશાબેને પેરાસિટામોલની ૧૦ ગોળીઓ ખાઈ લીધી હતી. તેમણે પોતાની બહેનપણીને આ અંગે જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.