જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્યું

Ahmedabad Crime News : અમદાવાદમાં ફરી એકવાર પ્રેમ અને વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ઘોડાસર વિસ્તારમાં રહેતી એક 36 વર્ષીય મહિલાને લગ્નનું ખોટું વચન આપી, અવારનવાર શારીરિક સંબંધ બાંધનાર વટવાના કાર વોશિંગ સેન્ટરના માલિક વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી પહેલેથી જ પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં, તેણે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે મંદિરમાં લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ ઘોડાસરમાં રહેતી પીડિતા અને વટવાના રહેવાસી અઝહરૂદિન સરફુદ્દીન પીંજારા (ઉ.વ. 35) વચ્ચે વટવા અને ઘોડાસર ખાતે આવેલા 'યુનિક જિમ'માં મુલાકાત થઈ હતી. જિમમાં સાથે કસરત કરતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. અઝહરૂદિને પોતે પરિણીત હોવાની વાત છુપાવી હતી અને પોતે અપરણીત હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
મિત્રતા પ્રેમમાં બદલાયા બાદ આરોપીએ લગ્નનું વચન આપી સપ્ટેમ્બર-2022માં ઈસનપુરની પરેશ પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાની મિત્ર નેહા ત્રિવેદીના ઘરે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી અવારનવાર મહિલાને ફરવા લઈ જવાના બહાને પોતાની ગાડીમાં અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો.
મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્યું
આરોપીની લંપટાઈ અહીં અટકી ન હતી. તેણે 18 ફેબ્રુઆરી 2023ના રોજ જેતલપુર ગામમાં આવેલા શિવ મંદિરમાં લઈ જઈ, મહિલાના માથામાં સિંદૂર પૂરી હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. આ રીતે વિશ્વાસ કેળવી છેક મે 2025 સુધી તેણે મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું.
સત્ય બહાર આવતા ધમકી આપી
'તારી સાથે શરીર સંબંધ બાંધવા જ ખોટું બોલ્યો હતો' બાદમાં પીડિતાને જાણવા મળ્યું હતું કે અઝહરૂદિન પહેલેથી પરણીત છે અને તેની પત્નીનું નામ ગઝાલા છે તથા તેને ત્રણ દીકરીઓ છે. જ્યારે મહિલાએ આ અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીએ નિર્લજ્જતાથી કબૂલાત કરી હતી કે, 'તારી સાથે શરીર સંબંધ બાંધવા માટે મેં તને ખોટું જણાવ્યું હતું.' આરોપીએ હવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને ધમકી આપી હતી કે, 'જો વધારે ડાહપણ કરીશ તો તને બદનામ કરી નાખીશ અને તારા બાપ-ભાઈને જીવતા નહીં છોડું.'
આ મામલે પીડિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં અઝહરૂદિન પીંજારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપીનો હાલ કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ જણાયો નથી.

