વડોદરા, કુંવારા યુવક અને તેની પરિણીત પ્રેમિકાએ ૧૨ દિવસ પહેલા એકસાથે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત થયું હતું. જ્યારે યુવકનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૩૧ વર્ષની મહિલાને પતિ સાથે અણબનાવ થતા છેલ્લા પાંચ વર્ષથી તે પિયરમાં રહેતી હતી. વિશાલ માછી, ઉં.વ.૩૦, (રહે. ખટંબા) ને મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો. વિશાલ વાયરમેન તરીકે કામ કરતો હતો. વિશાલ અને તેની પરિણીત પ્રેમિકા ગોકુલેશ સિટિમાં મકાન ભાડે જોવા માટે ગયા હતા. તેઓ પાંચમી તારીખથી ત્યાં રહેવા જવાના હતા. બનાવનાદિવસે તેઓ મકાનમાં સફાઇ કામ કરવા માટે ગયા હતા. તે દરમિયાન બંનેેએ ઝેરી દવા પી લીધી હતી. બનાવના દિવસે વિશાલના દાદાની બર્થડે હોઇ તેનો ભાઇ સવારથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ, વિશાલનો મોબાઇલ બંધ આવતો હતો. તેના ભાઇને જાણ હતી કે, વિશાલ ખટંબા પાસે એક સોસાયટીમાં ભાડેથી રહેવા જવાનો છે. ભાઇની શોધખોળ કરતા તે ખટંબા પહોંચી ગયો હતો. લોકોની મદદથી મકાનનો દરવાજો તોડતા વિશાલ અને તેની પ્રેમિકા ઝેરી દવા પીધેલી હાલતમાં હતા. પ્રેમિકાનું મોત થયું હતું. જ્યારે વિશાલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૨ દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર ચાલી હતી. ત્યારબાદ આજે તેનું મોત થયું હતું. દવા પીધા પછી પ્રેમિકાનું તે જ દિવસે મોત થયું હતું અને પ્રેમી યુવક બેભાન હાલતમાં જ હોઇ આપઘાતનું કારણ જાણી શકાયું નથી.


