સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે

સુરેન્દ્રનગર : દિવાળીના તહેવારની રજાઓ બાદ આજથી સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડના બજારો તેમજ સરકારી કચેરીઓ ફરીથી રાબેતા મુજબ ધમધમશે. બજારો ખુલતા ગ્રાહકોની ભીડ પણ હવે જોવા મળશે.
હિન્દુ ધર્મનો સૌથી મોટા તહેવાર દિવાળી અને નવા વર્ષનું વિશેષ મહત્વ રહેલું છે. દિવાળીના તહેવારને લઈને દરેક પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે તેમજ આ તહેવાર લોકો સારી રીતે મનાવી શકે તે માટે સરકારી કચેરીઓ સહિત બજારો તહેવાર દરમિયાન બંધ રહે છે. જેમાં ચાલુ વર્ષે દિવાળીના તહેવારને લઈને ઝાલાવાડની બજારો પડતર દિવસની મોડી રાત સુધી ખુલ્લી રહી હતી. ત્યારબાદ નવા વર્ષના દિવસથી રવિવાર એટલે કે લાભપાંચમ સુધી બંધ રહી હતી. તેવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લાની તમામ સરકારી કચેરીઓ પણ ગત તા.૨૦ ઓક્ટોબરથી બંધ હતી અને સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો અને સરકારી અધિકારીઓ પણ સળંગ ૭ દિવસની રજા હોવાથી દિવાળીના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતા. અથવા બહારગામ પરિવાર સાથે ફરવા જતા રહ્યા હતા ત્યારે ૭ દિવસના મીની વેકેશન બાદ આજ થી ફરી જિલ્લાની તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થશે અને સરકારી કચેરીઓમાં અરજદારો તેમજ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળશે.

