Get The App

માર્કેટયાર્ડોએ માવઠાંની ભીતિને લક્ષમાં રાખી માલ ન લાવવા ખેડૂતોને અપીલ કરી

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
માર્કેટયાર્ડોએ માવઠાંની ભીતિને લક્ષમાં રાખી માલ ન લાવવા ખેડૂતોને  અપીલ કરી 1 - image


આગામી 7 દિવસ દરમિયાન વરસાદની આગાહી વચ્ચે  હવામાન વિભાગ  દ્વારા તા. 3થી 8 સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતા 

રાજકોટ, : આગામી સાત દિવસ સુધી ઉતરગુજરાત ,દ.ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ તેજ થવાની સાથે વીજળીના ચમકારાઓ અને અફડાતફડી સાથે હળવાથી લઈ ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ ઉચ્ચારેલી આગાહી અન્વયે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો સાબદા બન્યા છે. યાર્ડ સંચાલકોએ યાર્ડની ખુલ્લી જગ્યામાં માલ ઉતરાઈ ન કરવા સુચના આપી છે.સૌરાષ્ટ્રમાં કન્ટ્રોલ રૂમને કાર્યરત કરવામાં આવ્યા છે. આજે દરિયાઈ વિસ્તારને છોડતાં રાજકોટ,અમરેલી, અમદાવાદ,ગાંધીનગરમાં આકરી ગરમી પડી છે. હવે રાજસ્થાન અને પાડોશી રાજયોમાં અપર એર સાકલોનિક સરક્યુલેશન સ્થિતિ નિર્માણ થઈ રહી છે.આની વચ્ચે શુક્રવારે  સૌરાષ્ટ્રમાં આકરી ગરમી સાથે હવામાન સૂકું રહ્યું હતું.આજે રાજકોટમાં 43.1, અમદાવાદમાં 43.4,ગાંધીનગરમાં 43.5, આકરી ગરમી પડી હતી.  

  હવામાન વિભાગે સાત દિવસ સુધી ઉતરગુજરાત અને દ.ગુજરાત,સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ગતિ વિધિ થવાની આગાહી કરી છે. જેમાં તા. ૩થી ૮ સુધી સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ વરસાદ વરસી શકે છે. તારીખવાર જોઈએ તો તા.૩ના રોજ ઉતર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં હળવા ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તા.૪ના રોજ ઉતર ગુજરાત બનાસકાંઠા, પાટણ મહેસાણા,અરવલી,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર, ગીરસોમનાથ દીવ અને કચ્છમાં હળવા ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. તા. ૫ના રોજ ઉતર અને દ.ગુજરાતના ઉપર દર્શાવેલા વિસ્તારોને આવરી લેવા ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ,ભાવનગર,મોરબી, કચ્છમાં હળવા ભારે વરસાદની શકયતા દર્શાવાઈ છે. તા. ૬ના રોજ સમગ્ર સોરાષ્ટ્રના રાજકોટ,જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, દ્વારકા,ગીરસોમનાથ, બોટાદ કચ્છ અને દીવ તેમજ સમગ્ર રાજયમાં ઉતર ગુજરાત અને દ.ગુજરાતને આવરી લઈ  વરસાદ વરસવાની શક્યતા દર્શાવાઈ છે. આવી જ રીતે તા.૭ના રોજ અમરેલી, ભાવનગર,ગીરસોમનાથ,બોટાદ, દીવ  તેમજ ઉતર ગુજરાત,મધ્યગુજરાત, દ.ગુજરાત અનેડાંગમાં વરસાદ વરસી શકે છે. તા. 8ના રોજ કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર, મોરબી,ગીરસોમનાથ, બોટાદ દીવ બનાસકાંઠા, પાટણ,આણંદ, વડોદરા ભરૂચ પંથકમાં વરસાદ વરસે એવી શક્યતા જણાવી છે. 

મે માસમાં આકરી ગરમીમાં સીબી ક્લાઉડ લોકલ સિસ્ટમનો દર વર્ષે વરસાદ આવે છે

ઉલ્લેખનીય છે કે મે માસ આવતા જ  જુન માસની વીસ તારીખ સુધી દર વર્ષે અપર એર સાકલોનિક સિસ્ટમ અને લોકલ સિસ્ટમ થવાની ધીમે ધીમે શરૂઆત થાય છે. આ ઉપરાંત સીબી કલાઉડની અસરમાં આકરી ગરમી અને ભેજની સ્થિતિ વચ્ચે જમીન પરથી ભેજ શોષાઈને આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરાતી હોવાથી સવારના દસથી બપોરના બે વાગ્યા સુધી વરાળો આકાશમાં ચડયા પછી બપોરના ત્રણ વાગ્યા પછી વરસાદ  30  થી 50 કિ.મી સુધીની ગતિના તેજ પવન સાથે વરસવાની ગતિવિધિ થઈ જાય છે. એ પછી ગમે તે જગ્યાએ અચાનક કરા કે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી જાય છે.આ વરસાદ  કયારેક નાની રેન્જને કવર કરતો હોય છે. તો કેટલીક વાર સાર્વત્રિક થાય છે. આ વરસાદ અડધાથી લઈ પાંચ છ ઈંચ સુધી વરસી જતો હોય છે .કરા પણ પડતા હોય છે. આવી દર વર્ષે સ્થિતિ જોવા મળી છે. 

Tags :