Jamnagar : જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે તા.27મીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લાના તાલુકાઓના ખેડુતોએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ખેતરોમાંથી પસાર થયેલી, થતી કે થનારી ખાનગી કંપનીઓની વીજ લાઈનોના વળતર મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલીયા, નવસારીના જયેશભાઈ પટેલના નેજા હેઠળ પેલેસ રોડથી કલેક્ટર કચેરી સુધીની ખેડુત પદયાત્રા યોજાઈ હતી. જે વેળાએ પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. ખેડુત અગ્રણીઓ અને ખેડુતોએ કલેક્ટર કેતન ઠક્કરને રૂબરૂ મળીને રજુઆત કરીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે જે જે વીજ લાઈનો નીકળી ગઈ છે, નીકળે છે, કે નિકળવાની છે. તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટરએ ખેડુતોને ઈ.સ. 1885ના ધ ટેલીગ્રાફ એક્ટ મુજબ-2003ના વિદ્યુત કાયદા મુજબ નોટીસો આપી છે. જ્યારે આ જ કાયદા હેઠળ ખેડુતોને વળતક કેમ અપાતું નથી ? ઈ.સ.1885 અને 2003ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકશાન અને વધારેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે ખાનગી કંપનીઓ માટે કરેલા તા.1/1/2017થી તા.31/12/2025 સુધીના તમામ પરિપત્રો મુજબ જંત્રીના ભાવે વળતરની ગણતરી શા માટે કરવામાં આવે છે ? તેવા સવાલો ઉઠાવીને 15 જેટલા મુદ્દાની માહિતી માંગી હતી.


