- સુરેન્દ્રનગર મનપા દ્વારા સર્વે કરી નોટિસ ફટકારવા માંગ ઉઠતી
- કોમ્પ્લેક્સના પીલ્લરોમાં તિરાડો પડી, દુર્ઘટના સર્જાય તે પહેલા જોખમી ભાગ ઉતારી લેવા જરુરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન પતરાવાળી ચોકથી ટાંકી ચોક સુધીના વિસ્તારમાં આવેલા અનેક કોમ્પ્લેક્સ હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. વર્ષોે જૂના આ બાંધકામોમાં પીલરના સળિયા બહાર આવી ગયા છે અને દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે.
ખાસ કરીને મૂળી તાબાના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલું કોમ્પ્લેક્સ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. આ મુખ્ય બજારનો માર્ગ હોવાથી અહીં રોજના હજારો લોકો ખરીદી માટે આવતા હોય છે, વળી નીચેના ભાગે અનેક વેપારીઓની દુકાનો આવેલી છે, જેના કારણે જાનમાલના નુકસાનનું જોખમ સતત તોળાઈ રહ્યું છે.
સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છે કે જો જર્જરિત ભાગનો કાટમાળ ઉપરથી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ગંભીર સ્થિતિને જોતા મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક અસરથી આ બિલ્ડિંગોનો સર્વે કરે તેવી માંગ ઉઠી છે. જવાબદાર તંત્ર જર્જરિત કોમ્પ્લેક્સના માલિકોને નોટિસ ફટકારી તેનું સમારકામ કરાવે અથવા જોખમી ભાગ ઉતારી લે તેવી લોક માંગ પ્રબળ બની છે. કોઈ માસૂમનો જીવ જાય તે પહેલા તંત્ર જાગે અને 'મોતના માચડા' સમાન આ ઈમારતો પર કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.


