Gujarat

વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો

By GS TEAM
7 Nov 20251 min read
વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો

વડોદરાઃ વડોદરા જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી ગઇ છે ત્યારે હજી સુધી રાહત નહિ મળતાં તેમજ સર્વેમાં પણ ધાંધીયા થતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.ડભોઇ તાલુકામાં અનેક ખેડૂતોએ પાકને સળગાની દઇ વિરોધ કર્યો હતો.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે.જેમાં વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. વડોદરા જિલ્લામાં ડાંગર,કપાસ,મકાઇ, સોયાબીન સહિતના પાક છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા એક સપ્તાહમાં સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ વડોદરા જિલ્લામાં સર્વેમાં ધાંધીયા થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ડભોઇ તાલુકાના શંકરપુરા ગામના અનેક ખેડૂતોએ આજે ડાંગર,કપાસ અને સોયાબીન જેવા પાકને આગ ચાંપી હતી.તેમણે કહ્યું હતું કે,હજી સુધી સર્વે કરવા પણ કોઇ આવ્યું નથી.અમારે આ જ રકમમાંથી શિયાળુ પાક માટે બિયારણ ખરીદવાનું હોય છે.ખેડૂતો માટે આ વર્ષ સૌથી ખરાબ રહ્યું છે.જો સરકાર મદદ નહિ કરે તો અનેક ખેડૂતોને આપઘાત કરવો પડે તેવો વખત આવ્યો છે.