શેત્રૂંજય તીર્થની છ ગાઉની યાત્રા માટે અનેક શ્રધ્ધાળુ શ્રાવકો ઉમટશે

રાજકોટમાંથી 40થી 45 લકઝરી બસોમાં ભાવિકો પાલીતાણા પહોંચશે : શેત્રૂંજય પર્વત ઉપર 3591 પગથિયા ચડીને યાત્રા કરનાર યાત્રાળુઓના પગના અંગુઠા ધોઇ બહુમાન કરાશે; : 1250થી વધુ દેરાસરોના દર્શન થશે
રાજકોટ, : પાલીતાણાની છ ગાઉની યાત્રાનું જૈન શ્રાવકોમાં વિશેષ માહાત્મ્ય હોય છે. આ વર્ષે શેત્રૂંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પાલીતાણા તળેટી ખાતેથી આગામી 1 માર્ચને રવિવારે વહેલી પરોઢે સવારે 4 વાગ્યે પ્રારંભ થશે. દેશ-વિદેશના હજારો શ્રધ્ધાળુ ભાવિકો આ યાત્રામાં ઉમટશે. રાજકોટ શહેરમાંથી 40થી 45 લકઝરી બસો પાલીતાણામાં શેત્રૂંજય તિર્થની ભાવયાત્રા માટે પહોંચશે.
ફાગણ સુદ 13ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બન્ને પુત્રો શામ્બ અને પ્રધ્યુમન જૈન મુનિઓ સાથે અનસન વ્રત કરી છ ગાઉની પ્રદક્ષિણા કરી મોક્ષગતિને પામ્યા હોવાની લોકવાયકા જાણવા મળે છે. શેત્રૂંજય પર્વત ઉપર 3591 પગથિયા ચડીને ફક્ત એક જ દિવસ ખુલ્લા રહેતા આ માર્ગ ઉપરથી ભાવિકો પસાર થઇને આદીશ્વરદાદાના પ્રક્ષાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શનનો લાભ લ્યે છે. યાત્રા દરમિયાન રસ્તામાં જૈન શ્રાવકો તિર્થકર શ્રી અજીતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની ડેરીએ શાંતિ સ્ત્રોતનું સ્મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીનો પ્રસાદ લઇ હસ્તગીરી અને સિધ્ધ શિલા ગુફા, સુરજકુંડના દર્શન ખુલ્લા મેદાનમાં ઉભા કરવામાં આવેલા પાલ નજીક પહોંચતા જ્યાં અંદાજે ૩૫ જેટલા ડોમમાં યાત્રાળુઓના પગના અંગુઠા ધોઇ, બહુમાન કરી, તિલક કરી ચલણી સિક્કાઓ દ્વારા બહુમાન કરવામાં આવશે. તા. 1ના રવિવારે પાલમાં ભાવિકોને ઢેબરા, દહી, ગાંઠીયા, પુરી થેપલા, કાચા પપૈયાનો સંભારો, દૂધ ઉકાળો, લીંબુ સરબત સહિત અન્ય ચીજવસ્તુઓ પીરસવામાં આવશે. સાંજે ૫ થી ૬ દરમિયાન ચૌવિહારમાં રોટલા, કઢી, ખીચડી, શાક, સંભારો, દહી વગેરે પીરસવામાં આવશે.
છ ગાઉની યાત્રા દરમિયાન અંદાજે 1250 જેટલા નાના-મોટા દેરાસરોના દર્શનનો ભાવિકોને લાભ મળશે. યાત્રાળુઓ માટે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા યાત્રિકો માટેની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.








