ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ
ઐતિહાસિક અને પૌરાણિક ધરોહરોની જાળવણીમાં કૉર્પોરેશન તંત્ર ઉણુ ઉતર્યું
રાજમહેલ રોડ પર લાલકોર્ટ પાસેના ક્રાંતિવીર સરદાર ભગતસિંહ પ્રતિમાનું સ્ટ્રક્ચર જર્જરીત બનતા કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી વહેલી તકે સ્ટ્રક્ચરના નવીનીકરણ સાથે મેન્ટેનન્સ મામલે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.
શહેરની ઐતિહાસિક અને પૌરાણિક સ્થાવર મિલકતો જેવી કે માંડવી, લહેરીપુરા દરવાજો હોય કે અન્ય ઐતિહાસિક ઇમારતોની કાળજી કે રખેવાળીમાં કૉર્પોરેશન તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાનો ગણગણાટ શહેરીજનોમાં શરૂ થયો છે. તેવામાં લાલ કોર્ટ પાસે ચોકમાં દેશની આઝાદીના લડવૈયા અને ફાંસીના માંચડે ચડેલા ક્રાંતિવીર સરદાર ભગતસિંહના બનેલા સ્ટેચ્યુના સ્ટ્રકચરમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ અંગે કોંગ્રેસના કાઉન્સિલરની મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત હતી કે, તાજેતરમાં પરિપત્ર થકી ઐતિહાસિક સ્મારકોની સાર સંભાળ માટે વિભાગીય વડાઓને જવાબદારી સોંપી હતી. તેમ છતાં ભગતસિંહ ચોકની આવી પરિસ્થિતિ શરમજનક બાબત છે. જેથી બેદરકારી મામલે જવાબદાર સામે દાખલો બેસે તેવા પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ અન્ય સ્મારકોની સાર સંભાળ કોર્પોરેશન કરે તેવી માંગ છે. અગાઉ આ અંગે ભાજપના મહિલા કાઉન્સિલરે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી હતી કે, સરદાર ભગતસિંહ સર્કલનું ઘણા સમયથી મેન્ટેનન્સ ન થતા સ્ટ્રક્ચરમાં તિરાડો પડી ગઈ છે, જેથી તાત્કાલિક નવું સ્ટ્રક્ચર બનાવવું.
એક જ વોર્ડના બે કોર્પોરેટર વચ્ચે કમિશનરને જાણકારી આપવા મામલે વિવાદ
આજે મળેલી કોર્પોરેશનની સભામાં ભગતસિંહ સર્કલનું સ્ટ્રક્ચર જર્જરીત મામલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર વચ્ચે રકઝક થઈ હતી. એક જ વોર્ડના બે કાઉન્સિલરે મ્યુ. કમિશનરને રજૂઆતની પરિસ્થિતિ સર્જાતા વિવાદ થયો હતો. કોંગ્રેસના કાઉન્સિલર સભામાં રજૂઆત માટે ઉભા થતા મહિલા કાઉન્સિલરનું કહેવું હતું કે, અમે અગાઉ આ બાબતે કમિશનરનું ધ્યાન દોરી દીધું છે.