કારખાનેદારો બ્રોકર મારફત સોદા કરી ગ્રે હૈદરાબાદ અને બેંગ્લોર મોકલતા થયા
સ્થાનિક બજારમાં જે માલ વેચાતો નથી તે બહારગામના વેપારીઓ પ્રોસેસ કર્યા વગર જ મગાવી રહ્યા છે
સુરત,તા.22 જુલાઇ, 2020, બુધવાર
કાપડબજારમાં અત્યારે કામકાજ ખૂબ ધીમાં થઈ ગયાં છે. ગ્રેમાં કોઈ ડિમાન્ડ નથી. માલ વેચાતો નહીં હોવાથી, કારખાનેદાર બ્રોકર મારફત હૈદરાબાદ અને બેંગલોરની પાર્ટીઓને ગ્રે મોકલી રહ્યાં છે. અહીં ગ્રે બજારમાં જે માલ વેચાતો નથી, તે માલ બહારગામના વેપારીઓ મંગાવી રહ્યાં છે. સુરતથી મોટાં જથ્થામાં ગ્રે ટ્રકોમાં રવાના કરવામાં આવે છે.
ઘણાં કારખાનેદારો પાસે ગ્રેના તાકાઓનો મોટો જથ્થો વેચાયા વિનાનો પડયો છે. તાકાઓનો ભરાવો ચિંતા કરાવી રહ્યો હોવાથી કારખાનેદારો બ્રોકરોની મદદથી, જે પાર્ટી માલ માંગી રહી છે, તેને આપી રહ્યાં છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી ગ્રેના ઘણાં સોદા કર્ણાટકના વેપારીઓ માટે કરવામાં આવ્યા છે. ટુકડે ટુકડા પણ ઘણો માલ આ રીતે નીકળ્યો હોવાથી, કારખાનેદારોને રાહત થઇ છે.
બ્રોકર સાથે નક્કી થયાં મુજબ, કારખાનેદારો ગ્રે તાકાઓ પેકેજીંગમાં મોકલી આપે છે અને ત્યાંથી પાર્સલમાં માલ ટ્રાન્સપોર્ટ મારફત હૈદરાબાદ અને બેંગલોર મોકલી આપવામાં આવે છે. સુરતથી રવાના કરવામાં આવતાં તાકાઓ અલગ-અલગ ક્વોલિટી અને લોટ પ્રમાણે જે તે વેપારીઓને પહોંચાડવામાં આવે છે. અહીંથી રવાના થતાં તાકાઓ, પ્રોસેસ વગરના હોય છે જે ત્યાં જ પ્રોસેસ થાય છે.
સ્થાનિક સ્તરે કાપડ બજારમાં અત્યારે કોઈ કામકાજ નથી.પણ, બહારગામના વેપારીઓ દ્વારા કરવામાં આવતી ગ્રેની ખરીદીથી કારખાનેદારોને થોડી રાહત મળી રહી છે. કમસેકમ તાકાઓના ભરવામાંથી મુક્તિ અત્યારે કપરા સંજોગોમાં મળી રહી છે. સુરતથી મોટા જથ્થામાં બહારગામ માલ મોકલવામાં આવી રહ્યો છે.