વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનના કેસમાં મનુષ્યવધની કલમ ઉમેરાઇ

- કારે અડફેટે લેતા કાળિયાબીડના મહિલાનું મોત નિપજ્યું હતું
- મૃતકના પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે સીટી ડિવાયએસપીને આવેદન પત્ર આપ્યું
શહેરના વાઘાવાડી રોડ પર બુધવારે રાત્રે કાળિયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા મીનાબેન અશ્વિનપુરી ગૌસ્વામી અને તેમના દેરાણી સોનલબેન ધર્મેશપુરી ગૌસ્વામી વોકિંગ કરવા નિકળ્યા હતા. રાત્રિના સમયે કાળિયાબીડ પાણીની ટાંકીથી સ્વામી નારાયણ મંદિરથી થોડે આગળ પુરપાટ સ્પિડે આવેલી જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની થાર કારે સોનલબેનને પાછળથી અડફેેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સોનલબેનનું મોત નિપજ્યું હતું. ઉપરાંત આ કારે વાઘાવાડી રોડ પર ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીર યુવતીને પણ અડફેટે લીધી હતી. જેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવ મામલે આજે મૃતકના પરિવારજનોએ નાની વયે આવી રીતે વાહનો ચલાવી નિર્દોષ રાહદારીઓનો ભોગ ન લે તે માટે આવા આરોપીઓ સામે જામીન ન મળે તેવી કલમો લગાવી કડક કાર્યવાહીની તથા ગાડી ભાડે આપનાર અને સગીરના વાલી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ સાથે સીટી ડિવાયએસપીને આવેદન પત્ર આપ્યું હતું. જ્યારે આ મામલે ભાવનગર પોલીસે મનુષ્યવધની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાડી ભાડે આપનાર અને સગીરના વાલી સામે કાર્યવાહી કરાશે : ડીવાયએસપી
આ મામલે સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, આ કેસમાં મનુષ્યવધની કલમ ઉમેરવામાં આવી છે. ઉપરાંત સગીરના વાલીને સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવશે અને ગાડી ભાડે આપનાર સામે પણ સખ્ત કાર્યવાહી થશે.









