નવરાત્રિમાં માણકોલ ગામમાં 70 વર્ષથી રંગભૂમિની નાટ્ય પરંપરા, અહીં ગરબા નથી રમાતા

Navratri 2025: નવરાત્રિ રાતો ડિજિટલ બનીને શહેરના રસ્તાઓને હેવી ડેસિબલથી ધમરોળી રહી છે, ત્યારે સાણંદ પાસે આવેલા નાનકડા એવા માણકોલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંજ પડતા જ ગામના દરેક સભ્યો પોત-પોતાના પાથરણા લઈને ગામના ચોરે ભેગા થાય છે અને જુનવાણી નાટકો અને તેના સંગીતની અદભુત હાસ્યસભર મજા લે છે. એક 'દિવસ વીર માંગડાવાળો' તો બીજા દિવસે 'ભક્ત પ્રહલાદ' કે પછી 'એમ ખમ્મા મારા વીરા' જેવા નાટકો આજના મોબાઇલ યુગમાં અહીંના બાળકો અને મહિલાઓ સહિત પરિવારો માટે એક વરદાનરૂપ પ્રવૃત્તિ છે.
70 વર્ષથી ચાલે છે આ પરંપરા
માણકોલ ગામમાં નવરાત્રિના ચોથાથી લઈને નવમા નવરાત્રિ સુધી ચાલતી પાંચ નાટકોની પરંપરા 70 વર્ષથી ચાલે છે. આખા જિલ્લામાં દરેક ગામો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાય છે ત્યારે માણકોલ ગામમાં રંગભૂમિનો રંગ ચડે છે.
અહીં દર વર્ષે 9 મીર પરિવારના કલાકારો આવીને ગામના યુવકો સાથે મળીને રિહર્સલ સાથે ચોથાથી નવમાં નોરતા સુધી પાંચ નાટકો રજૂ કરે છે.
આ અંગે વર્ષો જૂની આ પરંપરા સાથે જોડાયેલા અબ્બાસ ભાઈ કાસમભાઇ મીરે જણાવ્યું કે, અમે લોકો ઘણા વર્ષોથી માણકોલ ગામ સાથે સંકળાયેલા છીએ. ભવાઈના કલાકારો સાથે ગામના યુવાનો જોડાઈને અહીં વીર માંગડાવાળો. રાણકદેવી, પુત્રએ લજવ્યા પારણા, ખમ્મા મારા વીર અને ભક્ત પ્રહલાદ જેવા નાટકો અમારા ગામની રોનક છે. અમારી પાસે પૌરાણિક રંગભૂમિની કંપની અનુસાર એક પેટી માસ્તર છે જે પ્રાચીન રીતે પગથી ચાલતું હાર્મોનિયમ જ વગાડે છે. આ જ મંડળીના અન્ય એક કલાકાર સુરેશભાઇ મીરે જણાવ્યું કે, હું ખાસ સ્ત્રીનું પાત્ર ભજવવા માટે કટોસણથી આવું છું.
લોકો અનાજનું દાન કરે છે
ગામના અગ્રણી કિસ્મતભાઈ ગોહિલે જણાવ્યું કે, અહીં નિયમિત રીતે દર નવરાત્રિમાં છેલ્લા 70 વર્ષથી નાટકો ભજવાય છે. બીજી નવાઈની વાત એ છે કે, આ નાટકોમાં શુદ્ધ મનોરંજન રહેલું છે. નાટકમાં પ્રાચીન પાત્રો સાથે ગામ અને સમાજના કુરિવાજો સામે માર્મિક કટાક્ષો પણ જોવા મળે છે. ગામમાં સદીઓ જૂની વસ્તુ વિનિમય પ્રમાણે દાનની પરંપરા છે, જેમાં મોટાભાગના લોકો અનાજનું દાન કરે છે. ગામમાં યુવાનોનું મંડળ આ અનાજ વેચીને તેમાંથી મળતી રકમને ગામના વિકાસ માટે ઉપયોગમાં લે છે.
દાનમાં મળેલા પૈસાનો ગામના વિકાસમાં ઉપયોગ કરાય છે
દર વર્ષે અંદાજે રૂપિયા 50 હજાર જેટલી રકમ સરળતાથી એકઠી થઈ જાય છે જે ગામના જ વિકાસ અર્થે વાપરવામાં આવે છે. જાણીતા રંગકર્મી અને સંશોધક રમેશભાઈ પંચોટીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં એવા ઘણા ગામો હતા જે નવરાત્રિમાં માતાજીના પ્રસંગોને લઈને ભજવાતા. કેટલાક જૂજ ગામોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે.