મંજુસરની કંપનીએ ગુણવત્તા અંગે રાજ્ય સરકારની સંસ્થા ગીરડાનો ખોટો ટેસ્ટિંગ રિપોર્ટ બનાવ્યો
Vadodara : સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીની એક કંપનીએ ગુજરાત સરકારની ઔદ્યોગિક પદાર્થ સામગ્રી સબંધિત ગુણવત્તા તથા ટેસ્ટિંગનું કામ કરતી ગીરડાનું બોગસ સર્ટિફિકેટ બનાવી હૈદરાબાદ ખાતેની સંસ્થામાં જમા કરાવતા કંપનીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આવેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી ગીરડાના કચેરી અધિક્ષક આશુતોષ શૈલેષભાઈ વ્યાસે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 24-3-25 ના રોજ ગીરડાના ઇ-મેલ પર હૈદરાબાદની ગ્રીન પ્રો મેસર્સ સીસીઆઈ પરથી એક મેલ આવ્યો હતો અને જેમાં જણાવેલ કે મંજુસર જીઆઇડીસીમાં આવેલી મેસર્સ રિલાયેબલ પેન્ટ્સ નામની કંપની દ્વારા 19-3-25 ના રોજનો ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કર્યો છે. તે ગીરડા દ્વારા તૈયાર કર્યો છે કે કેમ તેની ખાત્રી કરવા જણાવ્યું હતું.
બાદમાં અમે તે ટેસ્ટીંગ રિપોર્ટની ખાતરી કરતા તે બોગસ હોવાનું જણાયું હતું. અમારા દરેક ટેસ્ટિંગ રિપોર્ટમાં ક્યુઆર કોડ હોય છે પરંતુ આ ટેસ્ટીંગ રિપોર્ટમાં કોઈ કોડ ન હતો તેમ જ અન્ય ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. આ અંગે અમે કંપનીને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો હતો તેની સામે કંપનીએ માફી માગતો ખુલાસો કર્યો હતો અને કબુલ કરેલ કે ગ્રીન પ્રો સીઆઈઆઈ હૈદરાબાદ ખાતે જલ્દીથી ટેસ્ટિંગ રિપોર્ટ જમા કરાવવાનો હોવાથી કર્મચારી દ્વારા તે રિપોર્ટ બનાવ્યો હતો. આ રિપોર્ટ કંપનીના કર્મચારી કેયુર શાહના મેલ પરથી આવ્યો હતો જેથી તેમને રિપોર્ટ તૈયાર કર્યો હતો. પોલીસે કેયુર શાહ સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.