વડોદરા,નોકરીનહીં મળતા હતાશ થઇને ૫૧ વર્ષના પ્રૌઢે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ટ્રેનમાથી પડી જતા મધ્યપ્રદેશના યુવકનું મોત થયું હતું.
માંજલપુર ભાટકૂવા સાંઇનાથ હાઉસિંગમાં રહેતા વિનોદસિંહ છગનભાઇ નાયક (ઉં.વ.૫૧) અગાઉ જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાંથી નોકરી છોડયા પછી તેઓ અન્ય નોકરીની શોધમાં હતા. પરંતુ, નોકરી મળતી નહતી. જેથી, હતાશ થઇને તેમણે ઘર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર જઇને ટ્રેનની સામે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. ગઇકાલે સાંજે ટ્રેનની અડફેટે આવી જતા તેઓનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ઉમ્મેદપુરા ગામે રહેતા ૩૯ વર્ષના પ્રભુભાઇ રમેશભાઇ નિનામા આજે વહેલી સવારે પાંચ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન નજીક રનિંગ ટ્રેનમાંથી નીચે પડી જતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે રેલવે પોલીસ સ્ટેશનના હે.કો. ગીતાબેને વધુ તપાસ હાથ ધરી છે.


