ભારે પવનના કારણે કેરી,લીંબુ ખરી પડયાઃ ડુંગળી, તલને પણ વ્યાપક નુકશાન
- સિઝનની શરૂઆત અને અંત સમયે માવઠાંના કારણે કેરીનો પાક બગડયો
- માવઠાંના કારણે કેળ સહિત મોટાભાગના બાગાયતી પાકને અસર : વાવાઝોડાથી ખેતરમાં રહેલી મગફળી માવઠાંથી સંગ્રહિત મગફળીને નુકશાન
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સોમવારે સાંજે અંદાજે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલાં ભારે પવન સાથે વીજળીના કાડાકા-ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.મિનિ વાવાઝોડના કારણે ગોહિલવાડના દરિયાઈ પટ્ટીમાં આંબા પરથી ટપોટપ કેરીઓ ખરી પડી હતી. સિઝનની શરૂઆતમાં પણ માવઠાંના કારણે આ વર્ષે આંબે આવેલાં મોર આવ્યા બાદ ફળીકરણ નિષ્પ્ફળ જતાં બાગાયતી ખેડૂતોને કેરીનો પહેલો પાક નિષ્ફળ ગયો હતો. જો કે, ચૈત્રી દનૈયા તપતાં ફરી આંબે માર આવતાં આ પાકમાં ફળીકરણ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. પરંતુ, ગત સોમવારે ભારે પવન અને બાદમાં સતત બે દિવસ માવઠાંના કારણે કેરીનો આ પાક પણ નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતોએ વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું. તો, પવનની સાથે કરાં પડતાં લીંબુ અને કેળની સ્થિતિ પણ કેરી જેવી જ થઈ હતી. ઉલ્લેખનિય છે કે, ગોહિલવાડની આબોહવાને અનુલક્ષી જિલ્લામાં કેરી ઉપરાંત, લીંબુ અને કેળનું મબલખ ઉત્પાદન થાય છે.
એ જ રીતે ગત મંગળવારે મહુવા પંથક સહિતના વિસ્તારોમાં સાત ઈંચ વરસાદના કારણે ખેતરમાં રહેલો પાક લગભગ પલળી જતાં નિષ્ફળ ગયો છે. તો, બીજી તરફ જિલ્લામાં હાલ સફેદ અને લાલ ડુંગળી એમ બન્ને પાક ખેતરમાંથી યાર્ડમાં પહોંચી રહ્યો છે તેને પણ ભારે નુકશાન થયું છે. ઉપરાંત, ખેતરમાં ઉભા પાક સમાન ઉનાળું તલ અને બાજરીને પણ ભેજ લાગી જવાના કારણે તે મહ્દઅંશે નિષ્ફળ ગયો હોવાનું ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું.જયારે,વાવાઝોડાના કારણે ખેતરમાંથી રહેલી મગફળી તથા ખેતરમાંથી ખેંચી લીધા બાદ માવઠાંમા પલળી જવાના કારણે મોટભાગની મગફળી બગડી ગયાનું ખેડૂતોએ વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
અગરમાંથી મીઠું ધોવાઈ ગયું, બચ્યું તે કાળું પડી ગયું
ભાવનગરની દરિયાઈ પટ્ટી ભાલ પંથકમાં પકવાતાં મીઠાંની હાલ સિઝન ચાલી રહી છે. અંહી આવેલાં ૩૬થી મોટા યુનિટો દ્વારા ક્યારામાંથી પકવેલું મીઠું બહાર કાઢી તેને સુકવી તેના સપ્લાઈની કામીગીરી ચાલી રહી છે તેવામાં જિલ્લામાં પડેલાં સતત ત્રણ દિવસ ભારે વરસાદના કારણે ક્યારમાં રહેલું મીઠું ધોવાઈ ગયું હોવાનો મીઠાંના અગરમાલિકોએ દાવો કર્યો હતો. જયારે, જે માલ બહાર કાઢીને સુકવવા મુક્યો હતો તે પણ વરસાદમાં પલળી જતાં કાળો પડી ગયો હોવાનું જણાવ્યું હતું.