વાવાઝોડાને કારણે ખેડૂતોને ફટકો,કેરી, કેળા,દિવેલા જેવા ઉભા પાકનો સફાયો
વડોદરાઃ વડોદરા અને અન્ય જિલ્લાઓમાં વાવાઝોડા અને તોફાની પવનને કારણે સર્જાયેલી તબાહીમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
૮૦ કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે કેરીનો લગભગ તૈયાર થવા આવેલા પાકને મોટો ફટકો પડયો છે.સેંકડો ખેતરોમાં કેરીઓ ખરી પડતાં ખેડૂતો છેલ્લી ઘડીએ નિરાશ થયા છે.
આવી જ રીતે કેળાના પાકને પણ નુકસાન થયું છે.અનેક ખેતરોમાં કેળના ઝાડ જમીન દોસ્ત થયા છે અને કેળાની લૂમો ખરી પડી હોવાનો અહેવાલ છે.તો બીજીતરફ તૈયાર થઇ ગયેલા દિવેલાં તેમજ અન્ય ઉભા પાકને પણ મોટુ નુકસાન થયું છે.
ખેડૂતોને ફરી એક વાર મોટું નુકસાન થતાં સરકાર સત્વરે સર્વે કરાવીને વળતર આપે તેવી માંગણી કરવામાં આવી છે.હજી પણ હવામાન સાનૂકૂળ નહિ હોવાથી પાક પર જોખમ યથાવત્ રહ્યું છે.આવી જ રીતે લગ્ન પ્રસંગોનો પણ માહોલ બદલાઇ ગયો હતો.અનેક સ્થળે ડીજે બંધ કરી દેવા પડયા હતા અને મંડપ ઉડી જતાં તાબડતોબ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી.
સયાજીગંજના કોમ્પ્લેક્સ પરનો મોબાઇલ ટાવર તૂટીને લટકી પડયો
શહેરમાં વાવાઝોડા દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં કોમ્પ્લેક્સની ટેરેસ પર ઉભો કરાયેલો મોબાઇલ ટાવર તૂટતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
પેરેડાઇઝ કોમ્પ્લેક્સની ટેરેસ પરનો મોબાઇલ ટાવર તૂટીને લટકી પડયો હતો.તેનો કેટલોક ભાગ રોડ તરફ ધસી રહ્યો હતો,પરંતુ કોઇ કારણસર અધવચ્ચે અટકી ગયો હતો.બનાવને પગલે સૌના જીવ તાળવે ચોંટાયા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બીજીતરફ સંખ્યાબંધ મકાનો પર લગાવવામાં આવેલી સોલર પેનલોએ પણ નવું એક જોખમ ઉભું કર્યું છે.